આણંદમાં પાલીસના ડોગ સ્ક્વોર્ડ માટે ઘરડાઘરની વ્યવસ્થાઃ નિવૃતિ બાદ શ્વાનને આશરો અપાશે
અમદાવાદઃ પોલીસ વિભાગમાં ગુનાઓ ઉકેલવામાં ડોગસ્ક્વોર્ડની મહત્વની કામગીરી હોય છે. કેફી દ્રવ્યો વિસ્ફોટકોનો ભાંડો ફોડતા તથા ગંભીર ગુન્હાઓમાં આરોપી સુધી પહોંચીને પોલીસ માટે મહત્વની ફરજ બજાવતા ‘ડોગ સ્કવોડ’ માટે હવે ‘ઘરડા ઘર’ શરૂ કરવામાં આવશે. પોલીસ ડોગ સ્કવોડને સરેરાશ 8 થી 10 વર્ષ સેવામાં રાખવામાં આવે છે, ત્યારબાદ નિવૃત કરવામાં આવે છે પોલીસ ડોગને કોઈ શ્વાનપ્રેમી અપનાવે તો ઠીક છે અન્યથા બીન સરકારી સંસ્થાને સોંપી દેવામાં આવે છે. ઉંમર સબંધી બિમારીમાં લપેટાઈ જતા આ શ્વાનની દશા પછી ખરાબ જ રહેતી હોય છે.આ પરિસ્થિતિ ટાળવા માટે ગુજરાત પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે.
પોલીસ વિભાગમાંથી નિવૃત થતાં ડોગ સ્કવોડનું સન્માન આદર જળવાઈ રહે તે માટે પ્રથમ વખત ઘરડાઘર પ્રોજેકટ શરૂ કર્યો છે.પોલીસ ફરજમાંથી નિવૃત થતા ડોગ સ્કવોડ શ્વાનને તેમાં રાખવામાં આવશે. આણંદ પોલીસ હેડ કવાટર્સમાં પ્રથમ ઘરડા ઘર બનાવવામાં આવ્યુ છે.તેનુ ઉદઘાટન રાજયના પોલીસ વડા આશીષ ભાટીયા કરશે.પોલીસ ડોગ માટેના આ ઘરડા ઘરમાં હાલ 14 નિવૃત શ્વાનોને રાખવામાં આવશે જે સંખ્યા 50 સુધી વધારવાની ગોઠવણ કરવામાં આવશે. આ ઘરડા ઘરમાં છતવાળી જગ્યા ઉપરાંત ખુલ્લુ મેદાન સહીતની સુવિધાઓ હશે એટલે શ્વાન નિવૃત કાળમાં પણ મુકત રીતે હેરફેર કરી શકશે. પોલીસના ડોગ સ્કવોડમાં સામેલ શ્વાનને જન્મના થોડા વખતમાં જ મેળવી લેવામાં આવે છે અને ત્યારબાદ જરૂરી તાલીમ આપવામાં આવે છે. પોલીસના ડોગ સ્કવોડમાં હાલ લેબ્રેડોર, જર્મન શેફર્ડ, બીગલ સહિતની પ્રજાતિનાં શ્વાન છે. જેનો કાર્યકાળ સરેરાશ 8 થી 10 વર્ષ હોય છે.