- તમામ સ્થળોએ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે,
- વિસર્જન સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, તરવૈયાઓ હાજર રહેશે,
- અન્ય સ્થળોએ વિસર્જન ન કરવા અપીલ
રાજકોટઃ ગુજરાતભરમાં ગણપતિ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઠેર-ઠેર દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. આગામી 17 સપ્ટેમ્બરનાં રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. રાજકોટ શહેરમાં 8 સ્થળે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ સ્થળે લોકોની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરમાં નિયત કરેલા સ્થળો સિવાય અન્ય સ્થળોએ વિસર્જન ન કરવાની અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ગણેશજીના વિસર્જન માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આઠ જેટલા સ્થળોએ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તમામ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સલામતિની દ્રષ્ટીએ આઠેય સ્થળોએ ક્રેન, રેસ્ક્યૂ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોયા, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લિડિંગ ફાયરમેન, ફાયરમેન સહિત વ્યક્તિઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ દરેક સ્થળે બેરીકેડ લગાવી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા વિસર્જન કરવામાં આવશે. લોકોને તેમના હાથે વિસર્જ કરવા દેવામાં આવશે નહી.
આ ઉપરાંત વિસર્જન સ્થળ પર મૂર્તિ પધરાવવાની થાય ત્યારે સ્થળ પર પહોચ્યા બાદ ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે. આ તમામ વ્યવસ્થામાં સહકાર આપવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. તેમજ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા સ્થળો સિવાયના અન્ય કોઈ સ્થળે ગણેશ વિસર્જન નહીં કરવા મહાપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી છે. વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે તમામ સ્થળે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો છે.