Site icon Revoi.in

રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી પ્રાણીઓને બચાવવા કરાઈ વ્યવસ્થા

Social Share

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કડકડતી ઠંડીને લીધે માનવજીવન પ્રભાવિત થતું હોય છે. પણ પ્રાણીઓ અને પંખીઓને અસર પડતી હોય છે. ત્યારે રાજકોટના પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડી ન લાગે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ-વાઘ, દીપડા અને રીંછ જેવા પ્રાણીઓનાં શેલ્ટરમાં કંતાન મુકવામાં આવ્યા છે. સરિસૃપો માટે માટલામાં લેમ્પ મૂકી વાતાવરણ ગરમ રાખવાનો પ્રયાસ કરાયો છે. જ્યારે ચિતલ તેમજ સાબર જેવા પ્રાણીઓ માટે સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. આમ પ્રાણીઓ અને પંખીઓને ઠંડીથી બચાવવા માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રદ્યુમન ઝૂના સૂત્રોના જણાવ્યા મુજબ સિંહ, વાઘ, દિપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ શેલ્ટરની બારીઓ અને દરવાજાઓ કંતાન, લાકડાની પ્લાય તેમજ પૂંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાય. જ્યારે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રિ દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ પર બેસી હૂંફ મેળવી શકે છે. આ ઉપરાંત  સરિસૃપ કુળના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેક્ટ્રિક લેમ્પ ગોઠવવામાં આવેલા છે. જેથી માટલું ગરમ થાય અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટલાની બહારના ભાગે વિંટાઇ જાય. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઊંડા પાણીના પોન્ડ રાત્રિ દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે. વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પૂંઠાથી બંધ કરવામાં આવેલા છે. રૂમની અંદર બેસવા માટે લાકડાના પાટીયા ગોઠવવામાં આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઝૂમાં નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવી છે. બારી-દરવાજાને કંતાન-પૂંઠાથી બંધ કરવામાં આવ્યા છે. તેમજ જુદી-જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકું ઘાસ પાથરવાની સાથે પક્ષીઓના પાંજરામાં રાત્રિ દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના આર્ટીસ્ટીક ઘર, લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવ્યા છે. જેની અંદર લાકડાનો છોલ તથા સૂકું જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રિડીંગમાં પણ ઉપયોગ કરે છે શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીનો ખોરક વધી જતા હાલ ખોરાકમાં 10થી 15 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લીલોચારો ઉપરાંત સૂકું ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુને લઈને ખોરાકમાં ઘટાડો નોંધાયો છે. જોકે તેમને ગરમી આપીને ખોરાક વધારવા પ્રયાસો કરાઈ રહ્યા છે.