મોરબીઃ શહેરના રવાપર ચોકડી નજીક ચર્ચાસ્પદ બનેલા મારામારી અને એટ્રોસિટી કેસમાં 5 આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે રદ કર્યા બાદ પોલીસે રવિવારે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે કેસમાં સોમવારે મુખ્ય આરોપી સહિતના વધુ 3 આરોપીઓને સરન્ડર કરતા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યારે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. તો અન્ય એક આરોપીની શોધખોળ હાલ ચાલુ છે.
આ બનાવની વિગતો એવી હતી કે, મોરબી શહેરના રવાપર ચોકડી નજીક એક કંપનીમાં નોકરી કરતા દલિત યુવાને પગારની માગ કરતા તેને કંપનીના સંચાલક અને તેના મળતિયાઓએ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો, આ બનાવ મામલે પોલીસ મથકમાં 5 આરોપીના નામજોગ તેમજ 7 અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યો હતો. ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત પટેલ અને ડી.ડી રબારી એમ 5 આરોપીની કોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હતીય તેને કોર્ટે રદ કરી હતી. દરમિયાન પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી રહી હતી, જેમાં આરોપી ડી.ડી રબારીને રવિવારે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી હતી.ત્યારે સોમવારે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા. હજુ આરોપી પરીક્ષિત પટેલને તેમજ અન્ય આરોપીને ઝડપવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસના આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ સોમવારે હાજર થતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા છે અને એક આરોપી પકડવાનો બાકી છે. તેમજ અજાણ્યા આરોપીઓને પકડવાના પણ બાકી છે . દલિત યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ પગરખું મોઢામાં લેવડાવ્યું હતું કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.