અમદાવાદમાં બનાવટી હાઉસિંગ સ્કીમ બનાવીને લોન મેળવીને છેતરપિંડી કરાતા ચાર શખસની ધરપકડ
અમદાવાદઃ આજકાલ છેતરપિંડીના બનાવો વધતા જાય છે. રાતોરાત પૈસાદાર બનવાના મોહમાં કેટલાક લોકો કૌભાંડો કરવામાં પણ પાછુંવાળીને જોતા નથી. તાજેતરમાં એક બનાવટી હઉસિંગ સ્કીમનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બનાવટી હાઉસિંગ સ્કીમ ઊભી કરી પ્લોટ ધારકોના નામે કરોડો રૂપિયાની લોન લઇ ભરપાઈ ના કરનારા 8 લોકો વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ઇન્ડિયા હોમ લોન લિમિટેટ નામની હાઉસિંગ સ્કીમ મૂકી 32 પ્લોટ ધારકોના નામે 4 કરોડ 60 હજારની લોન મેળવી ઠગાઈ કરવામાં આવી હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે દિલીપ શાહ, કલ્પેશ પ્રજાપતિ, પરબત રબારી અને ઇન્ડિયા હોમ લોન કંપનીના તત્કાલીન મેનેજર ઋષભ યાજ્ઞિકની ધરપકડ કરી છે. આ ગુનાના મુખ્ય આરોપી પરબત રબારીએ બનાસકાંઠાના ભાભરમાં પ્લોટની સ્કીમો મૂકી ઓછી કિંમતે મકાન બનાવની લાલચ આપી 32 લોકોના બનાવટી ડોક્યુમેન્ટના આધારે કરોડો રૂપિયાની લોન મેળવી છેતરપીંડી આચરી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બિલ્ડર પરબત રબારીની સાથે ઇન્ડિયા હોમ લોનના તત્કાલીન મેનેજર ઋષભ યાજ્ઞિક અને વેલ્યુયર કલ્પેશ પ્રજાપતિએ દલાલ દિલીપ શાહની મદદથી 32 લોકોના બનાવટી દસ્તાવેજો અને પ્લોટ્સના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી જમીનની ખોટી વેલ્યુ બતાવી લોન મેળવી હતી. જે લોનના 6 કરોડ 18 લાખ ભરપાઈ કરવાના બાકી હોવાની તપાસ કરતા આ છેતરપીંડી થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આ કેસમાં ઝડપાયેલો આરોપી ઋષભ યાજ્ઞિક અને કલ્પેશ પ્રજાપતિને કેટલા ટકા કમિશન મળ્યું અને ગુનામાં કેવી રીતે સડોવાયા તે અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. બેન્ક સાથે કરોડોની ઠગાઈના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરવમાં આવી છે. પરંતુ બનાવટી દસ્તાવેજો કોની મદદથી તૈયાર કરવામાં આવ્યા અને અન્ય ફરાર 4 આરોપીના બેન્ક એકાઉન્ટમાં જમા થયેલા લોનના રૂપિયા ક્યાં અને કોણે વાપર્યા તે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.