નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાનો મુખ્ય આરોપી અને તૃણમુલ કૉંગ્રેસ નેતા શાહજહાં શેખની આખરે ધરપકડ થઈ ગઈ છે. શાહજહાં શેખ 5 જાન્યુઆરીથી ફરાર હતો. પોલીસે તેને ઉત્તર 24 પરગનાના મિનાખાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તો હવે તેને આજે બપોરે 2 વાગ્યે બશીરહાટ કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ પહેલા કૉર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
શાહજહાં શેખ પર સંદેશખાલીમાં મહિલાઓનું શોષણ કરવા અને EDની ટીમ પર હુમલો કરવાનો પણ આરોપ છે. બીજી તરફ EDએ પણ પશ્ચિમ બંગાળના તૃણમુલ કૉંગ્રેસ નેતા શાહજહાં શેખને રાશન કૌભાંડ મામલે પૂછપરછ માટે બોલાવ્યો છે. એટલે હવે તેણે કોલકાતામાં આવેલી EDની ઑફિસે હાજર થવું પડશે. EDએ જણાવ્યું કે, આ કૌભાંડમાં 10 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે.
જોકે, આ પહેલા બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિપ્રિય મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ TMC નેતા શાહજહાં શેખ અને બોનગાવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની પણ મિલીભગત સામે આવી હતી. આ જ કેસમાં EDની ટીમ 5 ફેબ્રુઆરીએ TMC નેતા શાહજહાં શેખના નિવાસસ્થાન પર દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન કેટલાક લોકોએ EDની ટીમ પર હુમલો કર્યો હતો.
સંદેશખાલી હિંસાને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન ભાજપાએ સમગ્ર મામલે ઉગ્રદેખાવો કરીને મમતા બેનર્જી સામે આકરા પ્રહાર કરવાની સાથે આરોપી શાહજહાંની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે પણ પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.