Site icon Revoi.in

સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઑની ધરપકડ,દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ચંદીગઢમાંથી ઝડપી પાડયા

Social Share

જયપુર:રાજસ્થાનના રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ કરી રહેલી રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશનમાં ચંદીગઢથી હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ચંદીગઢના સેક્ટર 22માંથી મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ત્રણેયને મોડી રાત્રે દિલ્હી લાવવામાં આવ્યા હતા.

આ પહેલા શનિવારે જયપુર પોલીસે ગોગામેડીની હત્યાના સંબંધમાં હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી રામવીર સિંહની ધરપકડ કરી હતી. 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડી ને બે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડ દ્વારા જયપુરમાં તેમના ઘરે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે રામવીર સિંહે આ બંને શૂટરો માટે જયપુરમાં તમામ વ્યવસ્થા કરી હતી. જયપુર પોલીસના જણાવ્યા અનુસાર, નીતિન ફૌજી અને તેના સાથીઓએ 9 નવેમ્બરે મહેન્દ્રગઢના સદર પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કર્યો હતો અને પછી ફરાર થઈ ગયા હતા.

આ દરમિયાન 19 નવેમ્બરે નીતિન ફૌજીએ તેના મિત્ર રામવીર સિંહને તમામ વ્યવસ્થા કરવા માટે જયપુર મોકલ્યો હતો. 5 ડિસેમ્બરે ગોગામેડી ઉપરાંત એક શૂટર નવીન શેખાવત પણ ગોળીબારમાં માર્યો ગયો હતો. ગોગામેડીની હત્યા બાદ જયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આરોપીઓના એન્કાઉન્ટરની માંગ કરવામાં આવી હતી. હવે, દિલ્હી પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં, પોલીસે બંને શૂટર્સ તેમજ તેમના મદદગાર રામવીરની ધરપકડ કરી છે.