લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે કેજરિવાલની ધરપકડ કરાઈઃ આમ આદમી પાર્ટી
નવી દિલ્હી: એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલની મોડી રાતે ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી. દરમિયાન કેજરિવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ શુક્રવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે Z Plus સુરક્ષા છે અને આમ આદમી પાર્ટી (AAP) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતના લોકતાંત્રિક ઈતિહાસમાં પહેલીવાર કોઈ રાષ્ટ્રીય પાર્ટીના વડાની લોકસભા ચૂંટણી પહેલા ધરપકડ કરવામાં આવી છે. ED એક પણ પુરાવા રજૂ કરી શક્યું નથી. આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) કેજરીવાલથી કેટલી ડરી ગઈ છે.
તેમણે કહ્યું, “તેઓ જાણે છે કે માત્ર એક જ નેતા તેમને પડકારી શકે છે, તેથી તેઓ અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ને કચડી નાખવાના તમામ સંભવિત પ્રયાસો કરી રહ્યા છે.” કેજરીવાલ એક વિચારધારા છે, એક પ્રેરણા છે. “લોકશાહી બચાવવા માટે, તેમણે આવકવેરા વિભાગની નોકરી છોડી દીધી અને રસ્તા પર ઉતર્યા હતા. તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરી છે. લોકશાહીને બચાવવા માટે ઘણા કેજરીવાલ જન્મ લેશે. તેમણે ભાજપ પર કેજરીવાલ અને વિપક્ષી નેતાઓ સામે ”રાજકીય કાવતરું” રચવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે કહ્યું, “જો ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નેતાઓ ભાજપમાં જોડાય છે, તો તેમના કેસોની તપાસ કરવામાં આવતી નથી. હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે.” આતિશીએ કહ્યું, ”ભાજપા વિપક્ષ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું છો, તેનો જવાબ દિલ્હી, પંજાબ અને આ દેશની જનતા આપશે.”
કેજરીવાલની ધરપકડ બાદ AAPએ ભાજપ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. આતિશીએ કહ્યું, “અમે ભાજપનો વિરોધ કરીશું. રસ્તાઓ પર પ્રદર્શનનો ભય દેખાઈ રહ્યો છે. દિલ્હીમાં AAP મુખ્યાલયને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. પાર્ટી ઓફિસની બહાર 2,000-2,500 પોલીસ કર્મચારીઓ તૈનાત છે. અનેક અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. દેશભરમાંથી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોને અહીં બોલાવવામાં આવ્યા છે.