સરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારના અફાટ રણમાં વિદેશી પક્ષીઓનું શિયાળાના પહેલા જ આગમન થઈ ગયું છે. અને રણમાં ભરાયેલા છીછરા પાણીમાં છબછબિયા કરતા પક્ષીઓના કલરવનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પણ પક્ષીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે જ રણમાં કામ કરતા અગરિયાઓ પણ પક્ષીઓને કોઈ ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખી રહ્યા છે.
કચ્છના નાના રણમાં વિસ્તારમાં પાછોતરા વરસાદને લીધે દર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ રણ વિસ્તારમાં સાઈબેરીયા, માંગોલીયા, રશિયન સહિતના દેશોમાંથી મોટી સંખ્યામાં હજારો કિલોમીટરની ઉડાન ભરીને અવનવા રંગબેરંગી પક્ષીઓનું શિયાળા પહેલા જ આગમન થઈ ગયું છે. વિદેશી પક્ષીઓ મુક્ત મને રણમાં 4 મહિના રહી પ્રજજન બાદ બચ્ચાંને લઈને પરત પોતાના વતનની ઉડાન ભરતા હોય છે. માત્ર કચ્છના નાનારણમાં જ નહીં પણ જામનગર, અને પોરબંદર નજીક તેમજ અમદાવાદ નજીકના નળ સરોવર, થ્રોળના તળાવ સહિત અનેક સ્થળોએ પણ વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળતો હોય છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે કચ્છના નાના રણ વિસ્તારમાં મોટી સંખ્યામાં શિયાળા પહેલા સાયબેરિયા, માંગોલીયા, રશિયા સહિતના દેશોમાંથી યાયાવર, ફ્લેમિંગો, પેલીકન, સ્ટોક્સ, સ્ટેપી ઈગલ જેવા પક્ષીઓનું આગમન થઈ ગયું છે. ધ્રાંગધ્રાના રણ અને આસપાસ ગામો થળા, સુલતાનપુર, જેસડા, મોટી માલવણ, કુડા, કોપરણી, નીમકનગર સહિતના ગામો નજીક વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રણમાં દર વર્ષ કરતા આ વર્ષે બમણી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવાની શક્યતા જોવા મળી રહી છે. પર્યાવરણ પ્રેમીઓના કહેવા મુજબ સામાન્ય રીતે વિદેશી પક્ષીઓ ઓકટોબર માસ પૂર્ણ થયા બાદ આવવાના ચાલુ થાય છે. પણ આ વર્ષે ઓક્ટોબરના પ્રારંભથી જ વિદેશી પક્ષીઓ આવવા લાગ્યા છે. હાલ મોટી સંખ્યામાં રણ કાંઠાના ગામોમાં વિદેશી પક્ષીઓનો નજારો જોવા મળી રહ્યો છે.
કચ્છના નાના રણ વિસ્તારમાં હજુ સુધી પક્ષીઓના શિકારનો એક પણ બનાવ બનાવ બન્યો નથી તેનું મુખ્ય કારણ વિદેશી પક્ષીઓની સુરક્ષાનું ધ્યાન ફોરેસ્ટ વિભાગ સાથે આસપાસના ગામના લોકો કરે છે. પક્ષી પ્રત્યેનો ગામના લોકોનો અનોખો પ્રેમ આસપાસ ગામના લોકોમાં વર્ષોથી જોવા મળી રહ્યા છે.