ગોંડલઃ ગુજરાતમાં સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટયાર્ડના ફ્રુટ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી મધુર ગણાતી કેસર કેરીનું આગમન થઈ ગયું છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન 18 થી 20 દિવસ વહેલુ થયુ છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ ફ્રુટ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે ઊનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 190 બોક્સની આવક થઈ હતી. આ સાથે જ પ્રથમ દિવસે કેસર કેરીની હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 1700/-થી 2100/-સુધીના બોલાયા હતા. પ્રથમ દિવસે જ કેસર કેરીના ખેડૂતોને શુકનના ભાવ રૂપિયા 2100/- બોલાતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગીરની કેસર કેરીનું આગમન સામાન્ય રીતે માર્ચના અંતથી થતું હોય છે. પરંતુ આ વખતે કેટલાક ખેડુતોએ આંબાઓની વધુ માવજત કરીને પાક વેહેલો લેવાની શરૂઆત કરી છે. થોડા દિવસ પહેલા જુનાગઢ યાર્ડમાં પણ કેસર કેરીની હરાજી શરૂ થઈ હતી. ત્યાર બાદ ગોંડલ યાર્ડમાં પણ હરાજીનો પ્રારંભ થયો છે. જો કે હજુ એટલીબધી કેસર કેરીની આવક શરૂ થઈ નથી. અને 10 કિલોનો ભાવ 1700થી લઈને 2100નો હોવાથી માત્ર શ્રીમંત લોકો જ સીઝનની શરૂઆતની કેરી આરોગી શકે તેમ છે. આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે વહેલું થવા પામ્યું હોય પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યુ છે. ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવકો કેવી રહેશે તે જોવાનું રહ્યું. એક વાત નક્કી છે. કે, આ વર્ષે કેસર કેરીના ભાવ ગત વર્ષની તુલનાએ વધુ રહેશે.