ચેસ ઓલિમ્પિયાડ માટેની મશાલ રીલેનું સુરતમાં આગમન
અમદાવાદઃ ભારતમાં પ્રથમ વખત 44મા ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લૉન્ચ કરેલી ઐતિહાસિક મશાલ રીલે સુરત ખાતે આવી પહોંચી હતી. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નવસારીના સાંસદ સી. આર. પાટીલે મશાલ રીલેનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને રાજ્યના ચેસ ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપરાને મશાલ રીલે સોંપીને દાંડી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગ્રે સી.આર.પાટીલે કહ્યું કે, પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ચેસ સહિત રમતગમતને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. દેશમાં યુવાનો અભ્યાસની સાથે રમતગમતમાં ભાગ લઈને શક્તિશાળી પણ થયા છે. સુરત જિલ્લામાંથી 200 સ્પર્ધકો ચેસમાં ભાગ લઈ રહ્યા છે એ ગર્વની વાત છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 શહેરોમાં આ મશાલ રીલે જઈ રહી છે. તેમણે ચેસ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા સૌને શુભકામના પાઠવી હતી. આ મશાલ રીલેથી ચેસ પ્રત્યેનું આકર્ષણ વધશે. આ પ્રસંગે સી.આર પાટીલની ઉપસ્થિતિમાં, 7 વિશ્વવિક્રમો સર્જનાર સુરતના જીત ત્રિવેદીએ આંખે પાટા બાંધીને ચેસના 32 મહોરાં (પીસ) 90 સેકન્ડ્સમાં ગોઠવીને વિશ્વ વિક્રમ માટે પ્રયાસ કર્યો હતો