નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ હટાવાયા બાદ આતંકવાદી ઘટનાઓની સાથે ઘુસણખોરીની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં પથ્થરબાજીની ઘટનાઓ બંધ થઈ ગઈ હોવાની રજુઆત કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં કરી છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35 એ હટાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. જેની નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 2018ની સરખામણીમાં 2023માં આતંકવાદી ઘટનાઓમાં 45.2% ઘટાડો થયો છે અને ઘૂસણખોરીમાં 90% ઘટાડો થયો છે. પથ્થરબાજી વગેરે જેવી કાયદો અને વ્યવસ્થાની ઘટનાઓમાં 97% ઘટાડો થયો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓના જીવ ગુમાવનારાઓની સંખ્યામાં 65% ઘટાડો થયો છે. 2018માં પથ્થરમારાના કેસ 1,767 હતા જે હવે શૂન્ય છે. કેન્દ્રએ કહ્યું કે 2018માં 52 સંગઠિત બંધ હતા અને હવે તે શૂન્ય છે.
દરમિયાન પહેલી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે ડાયરેક્ટર જનરલ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની અધ્યક્ષતામાં ઓફશોર સિક્યોરિટી કોઓર્ડિનેશન કમિટીની(OSCC)ની 135મી બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌકાદળ / મુખ્ય મથક ODAG, IAF, ONGC, DGH, IB, DG શિપિંગ, MHA, MEA અને DRDO જેવા વિવિધ સંગઠનોના હિસ્સેદારો/પ્રતિનિધિઓ હાજરી આપશે. અન્વેષણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટે EEZ ખોલવા, E&P ક્ષેત્રો માટે એન્ટી-ડ્રોન સોલ્યુશન્સ સહિતના મહત્વના મુદ્દાઓ પર બેઠક દરમિયાન ચર્ચા થવાની સંભાવના છે.
OSCC ની રચના 1978માં ઑફશોર સુરક્ષા વ્યવસ્થાઓની સરળ અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી. OSCC એ ભારતમાં ઑફશોર સુરક્ષાની સમીક્ષા અને મૂલ્યાંકન કરવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે. આ સમિતિમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, IB, MEA, પોલીસ અને ONGC તરફથી તટીય ક્ષેત્રોની સલામતી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે બનાવવામાં આવેલા સભ્યોનો સમાવેશ થાય છે.