જમ્મુ-કાશ્મીરમાં લોકોની હાઈકોર્ટ સાથે સંપર્ક કરવામાં અસમર્થતા સંબંધિત દાવા સાચા નથી : સુપ્રીમ કોર્ટ
- જમ્મુ-કાશ્મીરના લોકો હાઈકોર્ટના સંપર્ક માટે અસમર્થ હોવાનો હતો દાવો
- જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટને સોંપ્યો રિપોર્ટ
- જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના રિપોર્ટમાં સંપર્કમાં અસમર્થતાના દાવાને ગણાવાયા ખોટા
સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ની જોગવાઈઓને સમાપ્ત કરવા સાથે જોડાયેલા ઘણાં મામલામાં સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું છે કે તેને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ મળ્યો છે, જે જમ્મુ-કાશ્મીરમાં લોકોને હાઈકોર્ટમાંથી સંપર્ક કરવામાં અસમર્થ હોવા બાબતે દાવાનું સમર્થન કરતો નથી.
કાશ્મીરમાં બાળકોને કથિતપણે કસ્ટડીમાં રાખવાનો આરોપ લગાવનારા બાળ અધિકાર કાર્યકર્તા ઈનાક્ષી ગાંગુલી અને શાંતા સિંહા તરફથી રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ હુજેફા અહમદીએ 16 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કાશ્મીર ખીણના લોકો ત્યાં હાઈકોર્ટનો સંપર્ક સાધી શકતા નથી. તેના પછી ખંડપીઠે જમ્મુ-કાશ્મીરના મુખ્ય ન્યાયાધીશ પાસેથી આના સંદર્ભે રિપોર્ટ માંગ્યો હતો.
ન્યાયમૂર્તિ એસ. એ. બોબડે અને ન્યાયમૂર્તિ એસ. એ. નજીરે અરજદારો તરફથી રજૂ થયેલા એડવોકેટને કહ્યુ કે અમને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પાસેથી રિપોર્ટ મળ્યો છે, જે આ દાવાનું સમર્થન કરતો નથી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં લોકો હાઈકોર્ટનો સંપર્ક કરવામાં અસમર્થ છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યુ છે કે તે કાશ્મીરમાં બાળકોને કથિતપણે કસ્ટડીમાં લેવાના મુદ્દાને ઉઠાવવા સંબંધિત અરજી પર સુનાવણી કરશે, કારણ કે અરજીમાં સગીરો સાથે સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
શુક્રવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાં બાળકોને કથિતપણે કસ્ટડીમાં લેવાના મુદ્દા પર જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની કિશોર ન્યાય સમિતિ સાથે એક સપ્તાહની અંદર રિપોર્ટ આપવાનું પણ કહ્યું હતું.
બીજા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે આ અરજી પર જવાબ માંગ્યો, જેમાં રાજ્યમાંથી અનુચ્છેદ-370 ની જોગવાઈઓને હટાવાયા બાદ પાંચ લોકોને કસ્ટડીમાં લેવાની કાર્યવાહીને પડકારવામાં આવી હતી.
ખંડપીઠે જમ્મુ-કાશ્મીર પ્રશાસન તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને બે સપ્તાહની અંદર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ત્રીજા મામલામાં સુપ્રીમ કોર્ટે જનસુરક્ષા કાયદો (પીએસએ) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિઓના મામલામાં કેન્દ્રને નોટિસ જાહેર કરી છે. આ અરજી આસિફા મુબીને દાખલ કરી હતી. કોર્ટે કેન્દ્રમાંથી બે સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે.