નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં કેન્દ્રીય બજેટ 2022 ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધન કર્યું હતું. તેમણે બજેટ કૃષિ ક્ષેત્રને મજબૂત કરવામાં ફાળો આપશે તે રીતે ચર્ચા કરી હતી. વેબિનાર ‘સ્માર્ટ એગ્રીકલ્ચર’- અમલીકરણ માટેની વ્યૂહરચનાઓ પર કેન્દ્રીત હતું. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ અને શિક્ષણવિદ્દોના પ્રતિનિધિઓ અને વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, માત્ર 6 વર્ષમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 7 વર્ષમાં ખેડૂતો માટે કૃષિ લોનમાં પણ અઢી ગણો વધારો કરવામાં આવ્યો છે રોગચાળાના મુશ્કેલ સમયગાળા દરમિયાન, 3 કરોડ ખેડૂતોને વિશેષ ઝુંબેશના ભાગ રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) આપવામાં આવ્યા હતા અને KCCની સુવિધા પશુપાલન અને મત્સ્યઉછેરમાં રોકાયેલા ખેડૂતો સુધી વિસ્તૃત કરવામાં આવી હતી. નાના ખેડૂતોને મોટો ફાયદો થાય તે માટે સૂક્ષ્મ સિંચાઈ નેટવર્ક પણ મજબૂત કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ પ્રયાસોને કારણે ખેડૂતો રેકોર્ડ ઉત્પાદન આપી રહ્યા છે અને MSP ખરીદીમાં પણ નવા રેકોર્ડ સર્જાયા છે. ઓર્ગેનિક ઉત્પાદનોનું બજાર 11000 કરોડ સુધી પહોંચી ગયું છે, જેની નિકાસ 6 વર્ષ પહેલા 2000 કરોડ રૂપિયાથી વધીને 7000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
વડાપ્રધાનએ વર્ષ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઓળખવામાં આવે છે તેની નોંધ લીધી અને કોર્પોરેટ જગતને ભારતીય બાજરીના બ્રાન્ડિંગ અને પ્રોત્સાહનમાં આગળ આવવા આહ્વાન કર્યું. તેમણે વિદેશમાં મુખ્ય ભારતીય મિશનોને ભારતીય બાજરીની ગુણવત્તા અને ફાયદાઓને લોકપ્રિય બનાવવા માટે સેમિનાર અને અન્ય પ્રમોશનલ પ્રવૃત્તિઓનું આયોજન કરવા પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને પરિણામે કુદરતી અને ઓર્ગેનિક ઉત્પાદનોના બજાર માટે જાગૃતિ વધારવા માટે પણ જણાવ્યું હતું.
તેમણે KVK ને પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે એક-એક ગામ દત્તક લઈને કુદરતી ખેતી માટે જાગૃતિ લાવવાનું આહ્વાન કર્યું. વડાપ્રધાન મોદીએ ભારતમાં માટી પરીક્ષણ સંસ્કૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સોઇલ હેલ્થ કાર્ડ્સ પર સરકારના ધ્યાન પર પ્રકાશ પાડતા, તેમણે નિયમિત અંતરે માટી પરીક્ષણની પ્રેક્ટિસને સરળ બનાવવા માટે સ્ટાર્ટઅપ્સને આગળ આવવાનું આહ્વાન કર્યું.