1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં રેવન્યું સ્ટેમ્પની કૃત્રિમ અછત, લોકોના અનેક ટ્રાન્ઝેક્શનો અટકી પડ્યા
ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં રેવન્યું સ્ટેમ્પની કૃત્રિમ અછત, લોકોના અનેક ટ્રાન્ઝેક્શનો અટકી પડ્યા

ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં રેવન્યું સ્ટેમ્પની કૃત્રિમ અછત, લોકોના અનેક ટ્રાન્ઝેક્શનો અટકી પડ્યા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં રેવન્યુ ટિકિટની એકાએક અછત ઊભી થતાં ઘણાબધા લોકોના ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા છે. એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પની ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા એક સપ્તાહથી કૃત્રિમ અછત સર્જાઈ છે. નવા નાણાકીય વર્ષથી આવેલા કેન્દ્ર સરકારના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં હાલ રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ નથી. એને કારણે ઘણા લોકોનાં ટ્રાન્ઝેકશન અટકી ગયાં છે. પરિણામસ્વરુપે નાગરિકો પરેશાન થઈ ગયા છે, જોકે આ સમસ્યાનો આગામી બે દિવસમાં નિકાલ થઈ જશે. એવો પોસ્ટ ઓફિસના અધિકારી તરફથી દાવો કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની તમામ પોસ્ટ ઓફિસોમાં રેવન્યુ ટિકિટનું વેચાણ થાય છે. સરકારી કામકાજમાં પણ રેવન્યું ટિકિટનો ઉપયોગ થાય છે.  સરકારી નિયમ મુજબ, 5 હજાર કે તેથી વધુ રકમના વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પ લગાવવી જરૂરી છે, જોકે ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં એની જરૂર પડતી નથી. કંપની તેમ જ સરકારી કચેરીઓમાં હવે પગાર ડાયરેકટ બેંકમાં જમા થતો હોવાથી રેવન્યુ ટિકિટની જરૂર પડતી નથી, પરંતુ કંપની અને કોન્ટ્રાકટર વચ્ચેનાં ટ્રાન્ઝેકશન અથવા તો પછી LICમાં પાકતી મુદતે ભરવામાં આવતા વાઉચરમાં, તેમજ  કંપનીઓ અને નાની પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓનો 5 હજારથી વધુ પગાર હોય તો વાઉચર પર રેવન્યુ સ્ટેમ્પ પર સહીઓ કરીને જ રકમ ચૂકવવામાં આવતી હોય છે.  LICમાં ચેકથી કે રોકડથી પ્રીમિયમ ચૂકવો તોપણ તેના તરફથી રેવન્યુ સ્ટેમ્પ મારેલી પહોંચ આપવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવેલી 9 હજાર પોસ્ટ ઓફિસમાંથી દર વર્ષે 5 કરોડની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ થાય છે. આમ તો પોસ્ટ ઓફિસ તરફથી અન્ય સ્ટેમ્પો પોતે જ બહાર પાડે છે. તે છાપે છે તેમ જ વેચાણ પણ કરે છે, પરંતુ રેવન્યુ સ્ટેમ્પ રાજ્ય સરકાર પાસેથી ખરીદવામાં આવે છે. એના બદલામાં તેમને કમિશન ચૂકવવામાં આવે છે. તાજેતરમાં જ એટલે કે 1લી એપ્રિલ-2022થી કેન્દ્ર સરકારમાં બજેટરી જોગવાઇમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે કે જે-તે બજેટ હેડ હેઠળ જ વસ્તુની ખરીદી કરવાનો નિયમ લાદવામાં આવ્યો છે. તે બજેટ હેડ હેઠળ જ સરકાર તરફથી બજેટની ફાળવણી કરવામાં આવશે. પરિણામે, પોસ્ટ ઓફિસોમાં આ કામગીરી હાલ ચાલુ હોવાથી બજેટની ફાળવણી નહીં થઈ શકી હોવાથી રેવન્યુ સ્ટેમ્પની ખરીદી કરી શકી નથી. એને કારણે રેવન્યુ સ્ટેમ્પની અછત સર્જાઈ છે. એને કારણે ગ્રાહકોને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સ્ટેમ્પ મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. આ પરિસ્થિતિ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. હજુ આ પરિસ્થિતિ ચાલુ સપ્તાહ સુધી બરકરાર રહે એવી સંભાવના છે. આ સિસ્ટમને કારણે હાલ તો ગુજરાત પોસ્ટલ વિભાગને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code