બનાસકાંઠાના જેસોર અભ્યારણ્યમાં વન વિભાગ દ્વારા રિંછ માટે પાણીના કૃત્રિમ કુંડ બનાવાયા
પાલનપુરઃ અસહ્ય ગરમીમાં વન્ય વિસ્તારમાં પ્રાણીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થતી હોય છે. અને ઘણીવાર પ્રાણીઓ પાણીની તલાસમાં ગામડાંઓમાં આવી જતા હોય છે. ગીરના જંગલમાં વન વિભાગ દ્વારા પ્રાણીઓ માટે જે રીતે કૃત્રિમ કુંડ બનાવીને પાણીની વ્યવસ્થા કરી છે તેવી જ રીતે બનાસકાંઠાના ઈકબાલગઢ નજીક આવેલા જેસોરના અભ્યારણ્યમાં વિહરતા રિંછ માટે પાણીના કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા નિયમિત સમયાંતરે કૃત્રિમ કુંડ પાણીથી ભરવામાં આવે છે.
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક આવેલું જેસોર અભયારણ્ય ચોમાસામાં પ્રકૃતિથી સોળેકળાએ ખીલેલું રહે છે. જોકે, ઉનાળામાં આ અભયારણ્યની સ્થિતિ કંઇક અલગ જ હોય છે. સુકાભઠ્ઠ વિસ્તારના આ અભ્યારણમાં મોટાભાગે રીંછ સહિત દીપડા, જંગલી બિલાડી અને ઘોરખોદીયા જેવા પ્રાણીઓ વસવાટ કરે છે. ઉનાળામાં પ્રાણીઓ પાણીની શોધમાં ગામડાઓમાં ઘૂસી જવાના કારણે માનવ પર હુમલાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. વન વિભાગ દ્વારા જેસોર અભ્યારણ્યમાં પાણીના કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરાયા છે. અંદાજિત 20 જેટલા પાણીના પોઇન્ટમાં પનવચક્કી અને ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા જેસોર વન્ય જીવ અભયારણ્યમાં રીંછ અને દીપડા જેવા જંગલી જાનવરો વસવાટ કરે છે. ચોમાસા અને શિયાળા દરમિયાન તો પાણીની વ્યવસ્થા જંગલમાંથી જ તેમને થતી હોય છે, પરંતુ ઉનાળામાં પાણી માટે કેટલીક વાર રીંછ જંગલની નજીક આવેલા ગામડાઓમાં આવી જતા હોય છે, આથી ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલી જાનવરો જંગલમાંથી બહાર ન જાય અને જંગલમાં પાણી અને ખોરાક મળી રહે તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે કૃત્રિમ સ્ત્રોતો ઊભા કરી પાણીની વ્યવ્યસ્થા ઉભી કરાઇ છે. જેસોર અભયારણ્યમાં 75થી 80 જેટલાં રીંછ વસવાટ કરતાં હતાં. જોકે તાજેતરમાં એની સંખ્યામાં વધારો થયો છે. રીંછ પોતાની ભૂખ કે તરસ સંતોષવા રહેણાક વિસ્તારમાં ન ઘૂસી જાય એને લઈ બારેમાસ અહીં સીઝન પ્રમાણે એને ખોરાક પૂરો પાડવા અલગ અલગ પ્રકારનાં વૃક્ષો રોપવામાં આવ્યાં છે. પાણીની વ્યવસ્થા માટે પણ અનેક પોઇન્ટ તેમજ પવનચક્કીનો ઉપયોગથી ગડર ડોલમાં પાણી ભરી વન્ય જીવોને પૂરું પાડવામાં આવી રહ્યું છે.