નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા એક કેસમાં જેલવાસ ભોગવી રહેલા અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન પૂર્ણ થતા આજે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી અને દિલ્હીની જનતાને લઈને સંદેશ લખ્યો હતો. તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા રાજઘાટ અને હુમાનજી મંદિર ગયા હતા.
આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે બપોરે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. તેમને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. સરેન્ડર કરતા પહેલા સીએમ કેજરીવાલ રાજઘાટ અને કનોટ પ્લેસ ખાતે હનુમાન મંદિર ગયા હતા. આ પહેલા કેજરીવાલે X પર હિન્દીમાં લખ્યું હતું કે, ‘માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ પર હું 21 દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યો છું. માનનીય સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર. આજે હું તિહાર જઈશ અને આત્મસમર્પણ કરીશ. તમે બધા તમારી સંભાળ રાખો. હું જેલમાં તમારા બધાની ચિંતા કરીશ. જો તમે ખુશ છો તો તમારા કેજરીવાલ પણ જેલમાં ખુશ હશે. જય હિન્દ!
અરવિંદ કેજરીવાલ જેલ નંબર 1માંથી તિહાર જેલની અંદર પહોંચ્યા હતા. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ તિહાર જેલમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલા તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. મેડિકલ ચેકઅપમાં શુગર લેવલ, બીપી અને વજનની તપાસ કરવામાં આવશે. ઘરની બહાર નીકળતી વખતે અરવિંદ કેજરીવાલે પોતાના માતા-પિતાના આશીર્વાદ લીધા અને બાળકોને ગળે લગાવ્યા હતા.