Site icon Revoi.in

દિલ્હી લીકર પોલીસી પ્રકરણના મુખ્ય સુત્રધાર અરવિંદ કેજરીવાલઃ સીબીઆઈ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજીની સુનાવણીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સોમવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના મુખ્ય સૂત્રધાર હોવાની રજુઆત કોર્ટમાં કરી હતી. સીબીઆઈ તરફથી હાજર રહેલા વિશેષ સરકારી વકીલ ડીપી સિંહે દિલ્હી હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે, એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રીની ત્યારે જ ધરપકડ કરી જ્યારે તેમની વિરુદ્ધ નક્કર પુરાવા મળવા લાગ્યા હતા. કોર્ટે બંને તરફની રજુઆત બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

ખાસ સરકારી વકીલ ડીપી સિંહે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, કેજરીવાલની ધરપકડ બાદ તપાસ એજન્સીને પુરાવા મળ્યા છે. તેમણે કહ્યું કે, AAP કાર્યકર્તાઓ સહિત ઘણા લોકો આગળ આવવા લાગ્યા હતા. તપાસનીશ એજન્સી AAPના વડાની ધરપકડ કર્યા વિના તેની તપાસ પૂર્ણ કરી શકી ન હોત. વકીલે કહ્યું કે, CBI પાસે અરવિંદ કેજરીવાલની આ કૌભાંડમાં સીધી સંડોવણી સાબિત કરતા પુરાવા છે. તેમણે એમ પણ કહ્યું કે, ચાર્જશીટ દાખલ થયા પછી પણ મુખ્યમંત્રી સાક્ષીઓને સીધી કે આડકતરી રીતે પ્રભાવિત કરી શકે છે.

અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ રજુઆત કરી હતી કે, એજન્સીએ મુખ્ય પ્રધાનની ધરપકડ કરી તેમની પૂછપરછ કરી નથી, સિવાય કે જ્યારે તેઓ પોલીસ રિમાન્ડ પર હતા. તેમણે કહ્યું કે એજન્સી પાસે કેજરીવાલ વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી અને ઘરમાંથી કંઈ પણ મળ્યું નથી.

સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ એક માત્ર એક્સાઇઝ પોલિસીની રચના અથવા અમલીકરણમાં સામેલ વ્યક્તિ નથી, પરંતુ તે એક સંસ્થાકીય નિર્ણય હતો જેમાં એલજી અને નવ મંત્રાલયો સહિત ઓછામાં ઓછા 50 નોકરિયાતો સામેલ હતા. તેમણે કહ્યું કે સીબીઆઈએ લેફ્ટનન્ટ ગવર્નરને પણ આરોપી બનાવવા જોઈએ.