ગાંધીનગર: આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવુંદ કેજરિવાલ રવિવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે ભરૂચમાં આદિવાસી મહા સંકલ્પ સંમેલનમાં ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલને ખાલિસ્તાની સમર્થક અને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા હતા.
ગુજરાત ભાજપાના અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે. પાટીલના ટ્વીટ બાદ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મહારાષ્ટ્રના સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે, શું ભાજપને પ્રમુખ બનાવવા માટે એકપણ ગુજરાતી ના મળ્યો? લોકો કહે છે કે, તેઓ માત્ર પ્રમુખ નહીં, ગુજરાત સરકાર પણ ચલાવે છે. તે જ અસલી સીએમ. આ ગુજરાતની જનતાનું ઘોર અપમાન છે. આમ બન્ને નેતાઓ વચ્ચે ટ્વિટર યુદ્ધ ચાલ્યુ હતુ.
સીઆર પાટીલના ટ્વિટ પર રિટ્વવિટ કરતા ગુજરાતના આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા કહ્યું કે, કેજરીવાલ એક કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત વ્યક્તિ છે. દેશની જનતા માટે ખુબ સારૂ વિચારે છે, કેજરીવાલ લોકોને શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી પાણી જેવી વ્યવસ્થા આપે છે. ગુજરાત માટે માજી બુટલેગર ખતરારૂપ છે. ગુજરાતની જનતા માજી બુટલેગરને સબક શીખવાડી ગુજરાતમાં એક ઈમાનદાર સરકાર બનાવવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હરપ્રીતસિંહ બેદીને હિમાચલ પ્રદેશના સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ બનાવાયા છે. જેને લઈને પાટીલે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધીને તેમને દેશની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવ્યા હતા. બીજી તરફ અરવિંદ કેજરીવાલે આજે ભરૂચમાં પોતાના સંબોધનમાં પટેલ અને પાટીલને રાજ્યમાં પેપર લીકને લઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, પેપર લીક મામલે ભાજપ સરકારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ અને પાટીલને ચેલેન્જ છે કે, પેપર લીક વિના એક પણ પરીક્ષા પૂર્ણ કરી બતાવો તો અમે માનીએ.