ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલનું મિશન-24, ગુજરાતથી કરશે પ્રારંભ
નવી દિલ્હી: કથિત શરાબ ગોટાળામાં ઈડીની તપાસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલ મિશન લોકસભા ચૂંટણીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે. પાર્ટી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે કેજરીવાલ 6 જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અને લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધાર આપશે.
આમ આદમી પાર્ટીના સૂત્રો મુજબ, કેજરીવાલ 6,7 અને 8 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે રહેશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ ગુજરાતમાં આવી રહ્યા છે. અહીં કાર્યકર્તા સંમેલન અને જાહેરસભાને તેઓ સંબોધિત કરશે. કેજરીવાલ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. ચૈતર વસાવાના પરિવારને મળવાની પણ તેમની યોજના છે.
કેજરીવાલે ગુજરાત મુલાકાતનો પ્લાન એવા સમયે બનાવ્યો છે, જ્યારે ઈડી તેમના થોડા સમયમાં ચોથો સમન મોકલવાની તૈયારીમાં છે. ત્રણ સમનને નજરઅંદાજ કરી ચુકેલા અરવિંદ કેજરીવાલે ખુદને દિલ્હીમાં આગામી રાજ્યસભા ચૂંટણી અને 26 જાન્યુઆરીની તૈયારીઓમાં વ્યસ્ત ગણાવ્યા છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે કે અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચારમાં સામેલ થવાથી રોકવા માટે તેમને એરેસ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના ઘણાં વરિષ્ઠ નેતાઓએ બુધવારે રાત્રે સોશયલ મીડિયા પર દાવો કર્યો છે કે ગુરુવારે સવારે જ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડો પડશે અને તેમને એરેસ્ટ કરવામાં આવશે.