ચૂંટણીને લીધે અરવિંદ કેજરિવાલના આંટાફેરા વધ્યા, હવે રાજકોટમાં 11મીએ રોડ-શો અને સભા યોજાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સાતથી આઠ મહિના બાકી રહ્યા છે. બીજીબાજુ ભાજપીની ચૂંટણીની તૈયારીઓ જોતા વહેલી ચૂંટણી યોજાવવાની અટકળો પણ વહેતી થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ફરીવાર ગુજરાતના પ્રવાસે આ રહ્યા છે. કેજરિવાલ રાજકોટમાં 11મી મેના રોજ રોડ શો યોજશે, અને જાહેર સભા પણ યોજાશે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથોસાથ આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવશે. સૌરાષ્ટ્રમાં આપના પ્રચાર માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 11 મેના રોજ રાજકોટ આવી રહ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલના રોડ-શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રાજકોટ આપ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર પાસે જાહેરસભાની મંજૂરી માગી હતી. જોકે જિલ્લા વહીવટી તંત્રએ જાહેરસભાની મંજૂરી આપી દીધી છે. રાજકોટમાં આપના શક્તિપ્રદર્શન પર સૌ કોઈની નજર રહેશે. રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી હતી. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં યોજાશે. મંજૂરીને લઈને કલેક્ટર તંત્ર દ્વારા આજે મંજૂરી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલની મુલાકાતને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે. અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને શાસ્ત્રીમેદાનમાં જાહેરસભામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઇને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.