નવી દિલ્હીઃ માનહાનિના એક કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરિયાદીની માફી માંગવા નિર્દેશ કર્યો છે. અરવિંદ કેજરીવાલે અગાઉ સ્વીકાર્યું હતું કે યુટ્યુબર ધ્રુવ રાઠીના વીડિયોને રીટ્વીટ કરવો તેની ભૂલ હતી. કોર્ટે કહ્યું કે, ફરિયાદીએ વિચારવું જોઈએ કે તે આ માફી સ્વીકારે છે કે નહીં. અમે 13 મેના રોજ વધુ સુનાવણી કરીશું.
પ્રાપ્ત માહિતી અનુસાર 2018માં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે યુટ્યુબર ધ્રુવ રાઠીનો વીડિયો ધરાવતી ટ્વીટને રીટ્વીટ કરવા બદલ આ કેસ નોંધવામાં આવ્યો હતો. તે વીડિયોમાં વિકાસ સાંકૃત્યન નામના વ્યક્તિ વિશે અપમાનજનક વાતો કહેવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ કેસને રદ્દ કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ટ્વિટર પર કેજરીવાલને ફોલો કરે છે. ફરિયાદી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની ચકાસણી કર્યા વિના, તેમણે તેને રીટ્વીટ કરી અને કરોડો લોકો સુધી પહોંચાડી હતી. હાલમાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. આ પ્રતિબંધ આગામી સુનાવણી સુધી ચાલુ રહેશે.