નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. ED બાદ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કેજરીવાલ પર કથિત શરાબ કૌભાંડમાં તપાસ માટે ધરપકડ કરી છે. સીબીઆઈએ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને તેમની ધરપકડ કરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે કેજરીવાલને પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી કોર્ટે એમ પણ જણાવ્યું કે, તેમને તે દસ્તાવેજો બતાવવામાં આવે જેના આધારે ધરપકડની માંગ કરવામાં આવી છે.
કેજરીવાલને બુધવારે સવારે તિહાડ જેલમાંથી રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ જવાયા હતા. કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે કોર્ટ પરિસરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કેજરીવાલના પત્ની સુનીતા પણ કોર્ટમાં પહોંચ્યા હતા. કેજરીવાલને વિશેષ ન્યાયાધીશ અમિતાભ રાવત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલ તરફથી હાજર રહેલા એડવોકેટ વિક્રમ ચૌધરીએ કહ્યું કે સીબીઆઈ પક્ષપાતી રીતે કામ કરી રહી છે. ચૌધરીએ દસ્તાવેજોની માંગ કરી અને સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવાની માંગ કરી. સીબીઆઈ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ ડીપી સિંઘે કહ્યું, ‘અમે ચૂંટણી પહેલા અથવા ચૂંટણી દરમિયાન કરી શક્યા હોત, પરંતુ કર્યું નહીં. અમે આ કોર્ટમાંથી પરવાનગી લીધી છે.
સીબીઆઈએ કેજરિવાલની ધરપકડ બાદ કોર્ટમાં રજુ કર્યાં હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન કેજરિવાલની તબિયત લથડી હતી. કેજરિવાલનું સુગર લેવલ ઘટી ગયું હતું. કેજરિવાલની તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. તેમજ તેમને તાત્કાલિક અન્ય રૂમમાં બેસાડવામાં આવ્યાં હતા. તેમજ ચા અને બિસ્કીટ આપવામાં આવ્યું હતું.