નવી દિલ્હીઃ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ પ્રકરણમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે (અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી ઉપર આ સમન્સ મોકલવામાં આવ્યું છે. કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચ સુધી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
હકીકતમાં, EDએ કથિત દિલ્હી લિકર પોલિસીની મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા બદલ કોર્ટમાં બીજી ફરિયાદ દાખલ કરી હતી. જેના પર કોર્ટે કાર્યવાહી કરી છે. આ પહેલા EDએ અરવિંદ કેજરીવાલને 8 સમન્સ જારી કર્યા છે પરંતુ તેઓ એજન્સી સમક્ષ હાજર થયા નથી. અરવિંદ કેજરીવાલે આ તમામ સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે EDના સમન્સ ગેરકાયદેસર છે પરંતુ તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છે.
ED પહેલાથી જ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ચૂક્યું છે. પાંચમા સમન્સ બાદ EDએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જેની સુનાવણી કરતાં કોર્ટે તેને 17મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. આ પછી, અરવિંદ કેજરીવાલના વકીલે બજેટ સત્રને ટાંકીને વ્યક્તિગત હાજરી માટે છૂટ માંગી હતી.