ભાવનગરઃ જિલ્લામાં તાજેતરમાં પ્રાથમિક શિક્ષકોનો જિલ્લાફેર બદલી કામ્પ યોજાયો હતો. જેમાં 700 જેટલા શિક્ષકોએ પોતાના વતનમાં જવા માટે જિલ્લાફેર બદલીઓ માગતા તેને મંજુર કરવામાં આવતા 700 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લા બહાર નોકરી કરતા 100 શિક્ષકો બદલી થઈને આવતા હજુ 1071 જેટલા શિક્ષકોની ઘટ પડી છે. આમ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના અભાવે શિક્ષણ પર તેની અસર પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેર અને જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી થઇ રહી છે. તેમાં ભાવનગર જિલ્લાની સરકારી શાળાઓના 700 શિક્ષકો જિલ્લા ફેરબદલી થઈને છુટા થઈ ગયા છે. તેની સામે અન્ય જિલ્લાઓમાંથી ભાવનગરમાં 109 પ્રાથમિક શિક્ષકો હાજર થયા છે. આથી 600 જેટલા પ્રાથમિક શિક્ષકોની ઘટ પડશે. કારણ કે 700ની બદલી થઇ તેની સામે 100 શિક્ષકો હાજર થયા છે. ખરેખર તો ભાવનગર જિલ્લામાં 471 જેટલી જગ્યાઓ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી છે અને 100 ભરાઇ હોય તો 600 વત્તા 371 એટલે કે 1071થી વધુ શિક્ષકોની ઘટ ભાવનગરની સરકારી પ્રાથમિક શાળાઓમાં પડશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર જિલ્લાની સરકારી શાળાઓમાંથી જિલ્લા ફેરબદલીના 700 શિક્ષકો છૂટા થઇ ગયા છે જો કે આ પૈકી BLO તરીકે ફરજ બજાવતા 128 શિક્ષકો છુટા થવાનાં બાકી છે. કારણ કે ભાવનગરના કલેકટરે બી.એલ.ઓ.ની ફરજમાં હોય તેવા પ્રાથમિક શિક્ષકોને 21 ઓગસ્ટ સુધી ફરજમાં રાખવા અને છૂટા ન થવા દેવા પરિપત્ર કર્યો છે. જો કે આનાથી પ્રાથમિક શિક્ષકોને સિનિયોરિટીનો પ્રશ્ન સર્જાવાની શક્યતા છે. કારણ કે સામા પક્ષે શિક્ષક હાજર થાય અને આ શિક્ષક હાજર ન થાય તો આ પ્રકારના પ્રશ્નો સર્જાશે. જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાંથી જે આંકડા મળ્યા તે મુજબ 50 ટકાના મહેકમ પ્રમાણે છે જો 100 ટકા છુટા કરવામાં આવે તો હજુ લગભગ 400 કરતાં વધુ શિક્ષકો છુટા થવાનાં બાકી છે.
સૂત્રોના કહેવા મુજબ ભાવનગરમાં પ્રાથમિક શિક્ષકોની ભાષા, ગણિત અને વિજ્ઞાન તથા શાસ્ત્રની મળીને 471 જગ્યા ખાલી હતી પણ તેમાં અન્ય જિલ્લામાંથી માત્ર 100 જ શિક્ષકો આવતા હાલની સ્થિતિએ 371 જગ્યા શિક્ષકો અન્ય જિલ્લામાંથી ન આવતા ખાલી છે અને હવે 700 શિક્ષકો અન્ય જિલ્લામાં ગયા હોય કુલ 1071 જેટલા પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. આ ઉપરાંત એકમ કસોટી, પેપર મૂલ્યાંકન, એસઆઇ મૂલ્યાંકન, નિપુણ ભારત સર્વે, મેરી મીટ્ટી મેરા દેશ જેવા અનેક અભિયાનમાં શિક્ષકોને જોડવામાં આવતા હોય વિદ્યાર્થીઓને વર્ગમાં અપાનારૂં શિક્ષણ કાર્ય વધુ ખોરંભાશે. (file photo)