વરસાદી વાતાવરણની અસર, રાજકોટમાં પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા
- રાજકોટમાં વકરતો રોગચાળો
- છેલ્લા 7 દિવસમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો
- સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું
રાજકોટ: શહેરમાં વરસાદી ઋતુ વચ્ચે રોગચાળાએ માથું ઉચક્યું છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ રાજકોટમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરમાં શરદી ,તાવ અને ઝાડા ઉલ્ટીના કેસોની સાથે સાથે ડેગ્યુએ પણ દસ્તક દીધી છે. મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સબ સલામતના દાવાઓ કરી રહ્યું છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ રોગચાળાની વાસ્તવિક સ્થિતિની ચાડી ખાય છે.
રાજકોટ સિવિલમાં 5 જેટલી કેસ બારી હાલમાં કાર્યરત છે. આ તમામ કેસ બારી પર કેસ કઢાવવા દર્દીઓની કતાર જોવા મળી રહી છે. રાજકોટ ઉપરાંત ગ્રામ્ય પંથક માંથી પણ દર્દીઓ નો ભરાવો સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યો છે. રોગચાળાના આંકડાની વાત કરવામાં આવે તો છેલ્લા 7 દિવસમાં શરદી ના 307, તાવના 74 , ઝાડા – ઉલ્ટીના 87 તેમજ મેલેરિયા અને ડેન્ગ્યુના 4 કેસો આરોગ્યના ચોપડે નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે, જાણકારોના કહેવા પ્રમાણે આ પ્રકારના અયોગ્ય વાતાવરણના કારણે પણ લોકો બીમાર પડી રહ્યા હોવાની શંકા બની રહી છે. હાલ સ્થિતિને ધ્યાનમાં રાખીને જાણકારો દ્વારા પણ લોકોને સતર્ક રહેવાનું અને આખી બાયના કપડા પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે. અત્યારના સમયમાં લોકોએ મચ્છર ન કરડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ