અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મુખ્ય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશથી ખેડા-નડિયાદ જીલ્લા પોલીસ તથા વિંગ્સ ટુ ફ્લાય એનજીઓ દ્વારા મહેમદાવાદ વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી બનાવતા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટનો લોકાર્પણ કાર્યક્રમ સરદારનગર, મહેમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ કર્મીઓ અને સ્વયંસિધ્ધા પ્રોજેક્ટના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું તથા ફરજ દરમિયાન મૃત્યુ પામેલ પોલીસકર્મીને સહાય અર્પણ કરવામાં આવી હતી. ગૃહ મંત્રી દ્વારા ખેડા જિલ્લાના ત્રાજ ગામની ઘટનાનો ફક્ત 8 દિવસોમાં ઝડપી નિકાલ લાવી ગુનેગારોને જેલમાં ધકેલવા બદલ સમગ્ર જિલ્લા પોલીસ વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સમાજમાં પોલીસ વિભાગની બે અગત્યની ભૂમિકાઓ વિશે વાત કરતા જણાવ્યું કે ગુનેગારોમાં પોલીસનો ડર જરૂરી છે પણ સાથે સાથે સામાન્ય માણસો માટે એક સેવક તરીકે સામાજિક સેવા તથા સુરક્ષાનું ભગીરથ કાર્ય પોલીસ કરે છે. ફક્ત ગુનેગારોને કડકમાં કડક સજાઓ અપાવવાથી સમાજમાં ગુનાહિત કૃત્યો દૂર થતા નથી પરંતુ ગુનાઓના મૂળમાં રહેલા કારણોના કાયમી નિકાલ માટે સામાજિક સેવાકિય પ્રવૃત્તિઓ ઉપયોગી બને છે.
ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વયંસિધ્ધા પ્રોજેક્ટ અંતર્ગત 105 બહેનોના જીવનને નવી દિશા મળતા આ બહેનો આત્મનિર્ભર બનશે. સાથે જ આ બહેનોના બાળકોને શિક્ષણ માટે કોચિંગની વ્યવસ્થાથી તેમના સમગ્ર પર્વતના જીવન બદલાવની પ્રક્રિયાનો શુભારંભ થશે. ગૃહ મંત્રીએ આગામી દિવસોમાં તાલુકા સ્તરે પોલીસ દ્વારા આ જ પ્રકારની સામાજિક કામગીરી થાય એવી આશા વ્યક્ત કરી હતી.
મહિલાઓ માટે સ્વયંસિધ્ધા પ્રોજેક્ટનું મહત્વ સમજાવતા ગૃહ મંત્રીએ જણાવ્યું કે સ્વયંસિધ્ધા પોતાની જાતને સાબિત કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. મજબૂરીમાં કરવામાં આવતી ગુનાહિત પ્રવૃત્તિઓને જન કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા નેક દિશામાં લઈ જવાથી સામાજિક સકારાત્મકતા અને સામાજિક સૌહાર્દને વેગ મળે છે.