Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા રાજકોટમાં માસ્કનું ધૂમ ઉત્પાદન, દૈનિક 25 લાખ માસ્ક બનાવાય છે

Social Share

ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અત્યારે ગુજરાતમાં 17 હજાર કરતા પણ વધુ કેસ નોંધાય રહ્યા છે. રાજકોટમાં 18મીને મંગળવારે રેકોર્ડબ્રેક 1461 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન જ્યારે કોરોના પીક પર હતો ત્યારે લોકો માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવા પ્રોટોકોલનું પાલન કરતા હતા, પરંતુ જેવા કોરોનાના કેસ ઘટવા લાગ્યા જેથી લોકોએ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનું શરૂ કર્યું. જેથી કોરોનાની બીજી લહેરની સમાપ્તિ બાદ માસ્કના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો, પરંતુ અત્યારે કોરોના કેસમાં ફરી વધારો થતા લોકોએ ફરી નિયમબદ્ધ રીતે માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે.

છેલ્લા પાંચ મહિનાથી માસ્કનું ઉત્પાદન કરતા મશીન બંધ હાલતમાં હતાં અથવા મર્યાદિત માત્રામાં જ ઉત્પાદન થઈ રહ્યું હતું, ત્યાં હવે રાજકોટમાં 15થી વધુ એકમોમાં પુરજોશમાં ફરીથી ઉત્પાદન શરૂ કરવામાં આવતા વધીને ડબલ થઇ ગયું છે.3 લેયર માસ્કનું ઉત્પાદન કરતા રાજકોટના માસ્ક ઉત્પાદક હિતેષભાઇ સોરઠિયાના જણાવ્યા અનુસાર રાજકોટમાં અત્યારે 15 જેટલા માસ્કના ઉત્પાદકો છે. છેલ્લા 20 દિવસથી ફરી માસ્કની ડિમાન્ડમાં વધારો થયો છે.

બીજી લહેર દરમિયાન એક ફેક્ટરીમાં ડેઇલી 40 હજાર જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ત્યારે કોરોના કેસમાં ઘટાડો થતા માંગ ઘટી જવાથી ઉત્પાદન 50 ટકા જેટલું ઘટી જતા 20 હજાર માસ્કનું ઉત્પાદન થયું હતું, પરંતુ અત્યારે ફરી કોરોના કેસમાં ઉછાળો આવતા બીજી લહેરની સાપેક્ષમાં 50 ટકા ઉત્પાદન વધી ગયું છે, જેથી અત્યારે રાજકોટમાંથી દરરોજ 25 લાખ માસ્કનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ​​​​​​​જેમાંથી 70 ટકા માસ્ક તો ગુજરાતમાં જ વપરાય છે.પ્રથમ અને બીજી લહેર દરમિયાન રાજકોટથી દુબઇ, મુંબઈ, દિલ્હી ખાતે માસ્ક મોકલવામાં આવતા હતા. પરંતુ અત્યારે ગુજરાતમાં જ માંગ વધી જતા 70 ટકા ગુજરાતમાં અને માત્ર 30 ટકા અન્ય રાજ્ય અને દેશ બહાર માસ્કનું વેચાણ કરાય છે.

કોરોનાના કેસમાં વધારો થતા માસ્કની માંગમાં પણ વધારો થયો છે. રાજકોટ કેમિસ્ટ એસો.ના સેક્રેટરી અનીમેશભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર રાજકોટમાં બીજી લહેર બાદ કોરોના કેસ નહિવત થઇ જતા દરરોજ એક મેડિકલ સ્ટોરમાંથી 10 જેટલા માસ્કનું વેચાણ થતું હતું, જે અત્યારે વધી જતા 30 પર આંક પહોંચી ગયો છે. જેથી રાજકોટમાં અત્યારે દરરોજ 25 હજાર જેટલા માસ્કનું વેચાણ થાય છે. જેમાં 3 લેયર અને એન 95 માસ્કની માંગ સૌથી વધુ છે.