Site icon Revoi.in

રાજકોટમાં કોરોનાના કેસ વધતા મ્યુનિ.એ પાંચ સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કર્યા

Social Share

રાજકોટઃ શહેરમાં  કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનને શહેરમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે પાંચ સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરવાની ફરજ પડી છે. શહેરીજનોને પણ તાવ, ખાંસી, શરદી કે ઉધરસ હોય તો ટેસ્ટિંગ બુથ પર આવીને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાંચ સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ ટેસ્ટિંગ બુથ પર સવારે 9થી સાંજે 5 સુધી વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાશે. છેલ્લા આઠ દિવસથી કેસ વધી રહ્યા છે છતાં ટેસ્ટિંગ પ્રમાણમાં નહિવત જોવા મળે છે.  વેક્સિનના બે ડોઝ લીધા હોય એટલે  ટેસ્ટ  કરાવવાની જરૂર નથી તેવી માનસિકતા લોકોમાં જોવા મળી રહી છે પણ ફરી કેસ આવવા લાગ્યા જેમાં મોટા ભાગના લોકોએ ડબલ ડોઝ લીધા હોવાનું કહેવાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં કોરોના કેસમાં ઉછાળો થવા લાગતાં મ્યુનિ.કોર્પોરેશને ફરી ટેસ્ટીંગ બૂથ શરૂ કરવાની ફરજ પડી  છે. અને લોકો પણ  ટેસ્ટીંગ કરાવવા માટે દોટ મુકી રહ્યા છે. આ એ જ ટેસ્ટીંગ બૂથ છે ત્યાં 2021ના વર્ષમાં ટેસ્ટીંગ કરાવવા માટે રીતસરની લાઈનો લાગી હતી, એટલું જ નહીં એક સમયે ટેસ્ટિંગ કીટ પણ ખૂટી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા તકેદારીના ભાગરૂપે 5 સ્થળે ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં કે.કે.વી. ચોક, લીમડા ચોક, આકાશવાણી ચોક, રૈયા ચોકડી અને મવડી ચોકડી ઉપર ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવ્યા છે. આ બૂથ ઉપર લોકો સવારે 9થી સાંજે પાંચ વાગ્યા સુધી ટેસ્ટીંગ કરાવી શકશે. આ માટે તંત્ર દ્વારા પૂરતી કીટ પણ રાખવામાં આવી છે. બીજી બાજુ ટેસ્ટીંગ બૂથ શરૂ થયેલા જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા લોકોમાં અંદરખાને ભય જોવા મળી રહ્યો છે.