અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 3500થી વધુ નોંધાઈ રહ્યા છે.અને હજુ પણ કોરોનાના કેસો વધે તેવી શક્યતા છે રાજ્યમાં કાબુ બહાર ગયેલાં કોરોનાને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં છે. ત્યારે કેન્દ્રના આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય ટીમ એકાદ દિવસમાં ગુજરાતની મુલાકાતે આવશે.અને સરકાર તેમજ આરોગ્ય વિભાગને માર્ગદર્શન પુરૂ પાડશે.
ગુજરાતમાં કોરોના કેસો બેકાબૂ બનતાં ગુજરાત હાઈકોર્ટે પણ લોકડાઉન કે કરફ્યુનો નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટ ના નિર્દેશ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના આરોગ્ય સચિવ સહિતના હોદ્દેદારોએ ગૃહમંત્રી અમિત શાહ સહિત પીએમઓ કાર્યાલય સહિત કેન્દ્રની ટીમ સાથે વિડિયો કોન્ફરન્સ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં 20 શહેરોમાં નાઈટ કરફ્યુની જાહેરાત કરી હતી. અને અને તેમણે ઉમેર્યુ હતું કે, કોન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે.
વિડિયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા મુજબ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે. આ અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જો કે ઉલ્લેખનીય બાબત એ છે કે એઈમ્સના ડાયરેટર ડો. રણદીપ ગુલેરીયા આ વખતે ગુજરાતની મુલાકાતે નહીં આવે. ગુજરાતની મુલાકાતે આવનારી કેન્દ્રીય ટીમ રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિનું નિરિક્ષણ કરશે અને માર્ગદર્શન પુરૂ પાડશે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર પણ કેન્દ્રની ટીમ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બુધવારે 3575 કોરોના કેસો નોંધાયા હતા. જ્યારે 22 દર્દીઓના મોત નિપજ્યા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો વિસ્ફોટ થતાં સ્થિતિ ગંભીર બની છે. અને કોરોનાનો નવો ટેઈન્ડ વધારે ઘાતક હોવાથી દર્દી મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. તેવામાં આગામી સમયમાં વધતાં જતાં કોરોના સંક્રમણની ગતિને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે આરોગ્ય વિભાગ સતત પ્રયાસો કરી રહ્યુ છે.