Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા ફરી વર્ક ફ્રોમ હોમની શરૂઆતઃ સરકારે પણ કર્યું આયોજન

Social Share

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર લોકડાઉન સિવાયના નિયંત્રણો મુકી રહી છે. ત્યારે ખાનગી અને સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. મહાનગરોમાં આવેલી મોટાભાગની આઈટી કંપનીઓએ તો તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. બેન્ક અને આવશ્યક સેવાઓને બાદ કરતા  જે કચેરીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કામ કરી શકે તેમ હોય તેમને ઘેરથી કામ કરવાની છૂટ આપવામાં આવી રહી છે. સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમ હોમ આપવામાંનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસ  અને કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના કેસો વધતા ફરી એક વાર વર્ક ફ્રોમ હોમ કલ્ચરની શરૂઆત થઇ છે. કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેર દરમિયાન રાજ્યમાં સરકારી કચરીઓ અને ખાનગી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ શરૂ કરવામાં આવ્યું હતું. હવે કેસો વધતા સરકારી કચેરીઓએ ફરી વાર સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનું શરૂ કરી દીધું છે.

રાજ્યની ગ્રામ વિકાસ કચેરીએ કર્મચારીઓ માટે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. આ સાથે રાજ્યની સરકારી કચેરીઓમાં ફરી વાર વર્ક ફ્રોમ હોમની શરૂ થઇ ગયું છે. ગ્રામ વિકાસ કચેરી દ્વારા વર્ગ 3 અને તેનાથી નીચેના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમનો પરિપત્ર કર્યો છે. આ પરિપત્ર પ્રમાણે રોટેશન પ્રમાણે કર્મચારીઓએ કચેરીમાં આવવાનું રહેશે, તેમજ અન્ય અધિકારીઓને કમિશનરની સૂચના પ્રમાણે વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે રાજ્યમાં જે રીતે કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે એ જોતા આવતીકાલથી રાજ્યની તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ અને રોટેશન પ્રમાણે કામ કરવાની સૂચના આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.