Site icon Revoi.in

ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

Social Share

અમદાવાદ: પેટ્રોલ અને ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. મોંઘવારીઓ માઝા મુકતા મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. મોંઘવારીની અસર માસિક ઘર ખર્ચના બજેટ પર પણ અસર પડી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે. આટલું ઓછું હોય તેમ લંબાયેલા ચોમાસા અને અનિયમિત વરસાદના કારણે શાકભાજી અને અનાજના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળી અને ટામેટાં જેવા રોજિંદા વપરાશના શાકભાજીનો છૂટક બજારમાં ભાવ છેલ્લા થોડા અઠવાડિયામાં 40 ટકા જેટલો વધ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ આટલો જ વધારો નોંધાયો છે.

એપીએમસીના સૂત્રોના જમાવ્યા મુજબ હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ 38 રૂપિયા કિલો છે, જે છૂટક માર્કેટમાં લગભગ ડબલ થઈ ગયો છે. છૂટક બજારમાં ડુંગળી 70 રૂપિયે કિલો વેચાય છે. આ જ પ્રકારે એક કિલો ટામેટાંનો ભાવ 90 રૂપિયા છે. ચોળી, ગવાર, ટીંડોળા અને રીંગણ જેવા શાકભાજીના પ્રતિ કિલો ભાવ પણ 100 રૂપિયાને પાર થયા છે. APMCના સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં શાકભાજીની હોલસેલ કિંમતમાં 15-20 ટકાનો ઉછાળો આવ્યો છે. જેનું પ્રાથમિક કારણ ચોમાસાના અંતે આવેલો ભારે વરસાદ છે. આ આ કારણે ખેડૂતો સમયસર લણણી ના કરી શક્યા અને ભાવમાં વધારો થયો. તદુપરાંત પેટ્રોલ-ડીઝલની વધેલી કિંમતો પણ શાકભાજીના હોલસેલ અને રિટેલ ભાવમાં આવેલા વધારાનું એક કારણ છે. APMCમાં શાકના એક વેપારીએ કહ્યું, “નાસિકમાં ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. નાસિકથી અમદાવાદનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ 20 ટકા જેટલો વધી ગયો છે. જેના કારણે ડુંગળીના હોલસેલ અને રિટેલ બંને ભાવમાં ખૂબ વધારો જોવા મળ્યો છે.આ જ પ્રકારની અસર અન્ય શાકભાજી પર પણ જોવા મળી રહી છે.

ટામેટાના એક હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે, હાલનું સાયક્લોનિક વાતાવરણ ટામેટાના ભાવ વધવાનું એક કારણ છે. વરસાદના કારણે કડીમાં ઉગતો પાક એક મહિનો મોડો પાક્યો છે. જ્યારે ઈડરમાં તો પાક જ નિષ્ફળ ગયો છે. અમદાવાદની ટામેટાની જરૂરિયાત પૂરી કરવા માટે મહારાષ્ટ્રથી ટામેટા મગાવાયા છે. જોકે, ત્યાં પણ ભારે વરસાદના કારણે ટામેટાંની તંગી છે. ઘરમાં સૌથી વધુ વપરાતા શાકભાજી એટલે કે ડુંગળી અને ટામેટાંના ભાવ આસમાને આંબતા ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું છે સાથે જ રેસ્ટોરાંઓમાં પણ તેની અસર દેખાઈ છે. હવે તહેવારો નજીક છે ત્યારે આ બંને શાકના વપરાશમાં વધારો થવાનો છે.

હોલસેલ કિંમતે શાક ખરીદતાં રેસ્ટોરાં માલિકોને પણ વધેલી કિંમતોનો માર સહન કરવો પડી રહ્યો છે. અમદાવાદના એક રેસ્ટોરાં માલિકે કહ્યું, “ટામેટા, ડુંગળી અને બટાકા જેવા રોજિંદા વપરાશના શકભાજીના ભાવ વધે છે ત્યારે તેની અસર રેસ્ટોરાં પણ દેખાય છે. આ શાકભાજીનો મોટાભાગે ઉપયોગ ગ્રેવી, કરી, સલાડ અને અન્ય વાનગીઓ બનાવામાં થાય છે. હાલ મોટાભાગના શાકભાજી છૂટક માર્કેટમાં 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.