Site icon Revoi.in

સુરતમાં વરસાદ પડતા નોકરી-ધંધા પર જતા લોકો ભીંજાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Social Share

સુરતઃ શહેરમાં આજે શુક્રવારે મેઘરાજાની પધરામણી થઈ હતી. વરસાદને કારણે નોકરી-ધંધા પર જતા લોકો ભીંજાયા હતા. જો કે વરસાદને કારણે અસહ્ય ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સવારે 8થી 10 દરમિયાન શહેરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. આકાશ વાદળછાયુ છે, અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાતના સમયે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે શુક્રવારે સુરત શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નોકરી-ધંધા પર જતા લોકોએ પલળે નહીં તે માટે ઓવરબ્રિજનો સહારો લીધો હતો. જ્યારે કેટલાક લોકો બ્રિજ પર પલળતા પલળતા પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ  સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરતમાં શુક્રવારે વહેલી સવારથી જ આકાશમાં વાદળો ગોરંભાયા હતા. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. સવારે 8થી 10 વાગ્યા દરમિયાન વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી-ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે 14 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આવતી કાલે તા. 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે. તેમજ 16 જૂનના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ પડશે. જ્યારે 17 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ રહેશે. તેમજ 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથ વરસાદ પડવાની શક્યતા છે.