Site icon Revoi.in

જ્યાં સુધી જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા દઈશઃ હિમંતા બિસ્વ સરમાનો હુંકાર

Social Share

નવી દિલ્હીઃ અસમમાં સીએમ હિમંતા બિસ્વા સરમાની સરકારે મુસ્લિમ વિવાહ કાનૂનને બેઅસર કરતા કોંગ્રેસ અને એઆઈયુડીએફએ સહિતની વિપક્ષી પાર્ટીઓએ વિરોધ નોંધાવીને ભાજપા ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન આજે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ વિધાનસભામાં તમામ વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લીધી હતી. તેમજ કહ્યું હતું કે, જ્યાં સુધી જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા દઉં.

મુસ્લિમ વિવાહ કાયદો રદ થવા મામલે આજે કોંગ્રેસ અને એઆઈયુડીએફએ વિધાનસભામાં ભાજપાનો વિરોધ કર્યો હતો. જેને લઈને હિમંત બિસ્વા સરમાએ કહ્યું હતું કે, હું જીવીત છું ત્યાં સુધી અસમમાં બાળવિવાહ નહીં થવા દઉં. તમામને હું પડકાર આપું છું, 2026 પહેલા આ બંધ થશે નહીં. બીજી તરફ કોંગ્રેસ અને એઆઈયુડીએફના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં હંગામો મચાવ્યો હતો. એઆઈયુડીએફએ સરમા કેબિનેટના મુસ્લિમ વિવાહ કાયદાને બેઅસર કરવાના વિરોધમાં કહ્યું કે, આની સામે મુલત્વી પ્રસ્તાવ રજુ કરવો જોઈએ. જો કે, વિધાનસભાના સ્પીકર વિશ્વજીત દયમારીએ તેનો અસ્વિકાર કર્યો હતો.

બે દિવસ પહેલા જ અસમ સરકારે રાજ્યમાં બાળવિવાહને અટકાવવા માટે મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદો ખત્મ કર્યો હતો. શુક્રવારે મોડી રાતે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ મુખ્યમંત્રી હિમંતા સરમાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 23 ફેબ્રુઆરીએ અસમ કેબિનેટએ એક મહત્વનો નિર્ણય લઈને વર્ષો જૂના મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને પરત ખેંચી લીધો છે. આ કાયદામાં એવી જોગવાઈ હતી કે, વર અને કન્યાની લગ્ન કરવાની કાનૂની ઉંમર એટલે કે યુવક 21 અને યુવતી 18 વર્ષની ના હોય તો લગ્નની નોંધણી કરી શકાતી હતી. અસમ સરકારે બાળવિવાહના દુષણને ડામવા માટે આ મહત્વનો નિર્ણય લીધો હોવાનો સીએમએ દાવો કર્યો હતો.