Site icon Revoi.in

મહારાષ્ટ્રના સરહદી વિસ્તારના 12 જેટલાં ગામોના લોકોએ ગુજરાત સાથે જોડાવાની માગ કરી,

Social Share

અમદાવાદઃ ડાંગ જિલ્લાની સરહદીય વિસ્તારને જોડતા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના 12 જેટલા ગામોના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓ ન પૂરી પાડતા મહારાષ્ટ્ર સરકાર સામે આંદોલનનું રણસિંગુ ફૂંક્યું હતું. સરહદીય સંઘર્ષ સમિતિનું ગઠન કરી બેઠકોનો દોર શરૂ કરતાં રાજકીય માહોલના ગરમાવવા સાથે વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી.ગુજરાતના સરહદી વિસ્તાર અને ડાંગની સરહદ પર આવેલા મહારાષ્ટ્રના 12 ગામના આગેવાનોએ ગુજરાતમાં જોડાવવાની માગણી કરી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે 12 ગામના લોકોએ પણ ગુજરાતમાં સમાવેશ કરવાની માગણી કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  મુજબ મહારાષ્ટ્ર કર્ણાટક સીમા વિવાદ બાદ હવે નાસિક જિલ્લાના સૂરગાણા તાલુકાના 12 થી વધુ ગામોના ગ્રામજનોએ ડાંગ જિલ્લાની સરહદને અડી આવેલ મહારાષ્ટ્રના પંગારનીયા ગામે વિશાળ સભાનું આયોજન કરી મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોઈ નક્કર વિકાસકીય સુવિધાઓ ઉભી ન કરે તો આ વિસ્તારના ગામો ગુજરાત રાજ્યમાં ભેળવી દેવાની માંગ સાથે સરહદીય સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં આ વિસ્તારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નીતિન પવાર સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રામજનોની રજૂઆતની સરવાણી ઉઠી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધારાસભ્યએ ગ્રામજનોની રજૂઆત મહારાષ્ટ્ર સરકારના પ્રભારી મંત્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી મહારાષ્ટ્ર રાજ્યમાં જ રહેવા અપીલ કરી હતી. આ અંગે સુરગાણા રાષ્ટ્રવાદી કોંગ્રેસના તાલુકા પ્રમુખ ચિંતામણ ગાંમીતે જણાવ્યું હતું કે, ગુજરાત મહારાષ્ટ્ર જુદા થયા ત્યારે સરહદીય વિસ્તારના 12 ગામોને ગુજરાત સરકારે અમોને લેવા તૈયારી બતાવી હતી. પરંતુ અમારા વડીલોએ તે ઠુકરાવી મોટી ભૂલ કરી હતી. મહારાષ્ટ્ર સરકારે અમોને માત્ર ભગવાન ભરોસે જ છોડી મુકતાં અમારી જિંદગી ખૂબ દયનીય બની છે. તેવાં સંજોગોમાં ગ્રામજનો દ્વારા આઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓથી વંચિત રહેવાના કારણે હવે આંદોલન એકમાત્ર શસ્ત્ર હોવાનું સંકલ્પ કરી આગામી દિવસોમાં ગુજરાત સરકાર સાથે સંઘર્ષ સમિતિ દ્વારા સરહદીય ગામોને જોડવાની વિનંતી સાથે જરૂરી વાટાઘાટોની તજવીજ કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.