અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવા માટે સરકાર ઈમ્પેક્ટ ફી નો કાયદો લાવી હતી ત્યાર પછી પણ શહેરમાં ગેરકાયદે બાંધકામો વધતા જ ગયા છે. ગેરકાયદે બાંધકામો માટે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગના અધિકારીઓની લાપરવાહી પણ એટલી જ જવાબદાર છે. અધિકારીઓ અને વોર્ડના ઈન્સ્પેકટરોને ગેરકાયદેસર દબાણો અંગે જાણ હોવા છતાં ગેરકાયદે બાંધકામો દુર કરતા ન હતા. પરંતુ ફેબ્રુઆરીમાં મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણી બાદ ભાજપ ફરીવાર શાસન આવ્યું હતું. ટાઉન એન્ડ બિલ્ડીંગ કમિટિ બનતાની સાથે જ ચેરમેન દેવાંગ દાણીએ શહેરમાં બની ગયેલી ગેરકાયદેસર બિલ્ડીંગોને તોડી પાડવા આદેશ કર્યા હતા. જેના પગલે શહેરના મધ્ય ઝોન એટલે કોટ વિસ્તારમાં જમાલપુર, ખાડિયા, રાયખડ, પાંચકુવા, સારંગપુર, દરિયાપુર અને કાલુપુર વિસ્તારમાં પાંચ માળ સુધી બની ગયેલી કુલ 14 જેટલી ગેરકાયદેસર બિલ્ડીંગો તોડી પાડી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટાઉન એન્ડ બિલ્ડીંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બિલ્ડીંગ અંગે ફરિયાદો પહેલાથી હતી. ગેરકાયદેસર બિલ્ડીંગ તોડવા આદેશ કર્યા હતા. મધ્ય ઝોનમાં અનેક ગેરકાયદેસર બિલ્ડીંગો ઉભી થઇ ગઈ હતી પરંતુ તેને એસ્ટેટ વિભાગે દૂર કરી ન હતી. પોલીસ બંદોબસ્ત ન આપતા હોવાની અધિકારીઓ ફરિયાદ કરી બાંધકામ દૂર કરતા ન હતા જેથી ગૃહમંત્રી સુધી રજૂઆત કરી પોલીસ બંદોબસ્ત મેળવી પાંચ માળ સુધીની 14 જેટલી ગેરકાયદેસર બિલ્ડિગો બની ગઈ હતી તેને દૂર કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં જમાલપુર, ખાડીયા, પાંચકુવા સહિતના વિસ્તારોમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને પાંચ માળ સુધી ગેરકાયદેસર બિલ્ડીંગ બની જાય છે. ત્યાં સુધી એસ્ટેટ વિભાગ તેમની સામે જોતું નથી. ત્રણ માળ ઉપર બની જાય છતાં તેને માત્ર નોટિસ આપવાની કામગીરી કરી સંતોષ માને છે.બે માળ બાદ ત્રીજા માળથી પાંચ માળ સુધી બની જાય છે છતાં કેમ એસ્ટેટ અધિકારી તેને રોકીને નોટિસ અને કામગીરી બંધ કરાવતાં ન હતા તેના પર અનેક સવાલો ઉભા કરે છે. મધ્ય ઝોનમાં એસ્ટેટ વિભાગના રહેમનજર હેઠળ અનેક ગેરકાયદેસર બિલ્ડીંગ ઉભી થઈ ગઈ હોવાની ફરિયાદ મળતા ભાજપના સત્તાધીશોએ આ બિલ્ડીંગ તાત્કાલિક તોડી પાડવા આદેશ કરવા પડ્યા હતા. આવા ગેરકાયદેસર બાંધકામો સામે આવતાં મધ્ય ઝોનમાં એસ્ટેટ અધિકારીને બદલવા માટે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.