Site icon Revoi.in

ગુજરાત સરકારની નીતિરીતિથી છેલ્લા 10 વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ

An empty classroom at Chief Dumile Senior Secondary School in Bizana. The school had one of the worst matric pass rates last year. Picture : ALAN EASON. 26/11/09. ©Daily Dispatch

Social Share

અમદાવાદ :  ગુજરાતમાં છેલ્લા એક-બે દાયકાથી ખાનગી શાળાઓમાં વધારો થયો જાય છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યા છે. જેમાં મુખત્વે સરકારની નીતિરીતિ જવાબદાર છે. રાજ્યમાં છેલ્લા 10  વર્ષમાં 1500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ ચુકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર થયા છે. વર્ષ 2010 માં રાજ્યભરમાં અંદાજે 4500 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ હતી. જો કે 10 વર્ષમાં ગ્રાન્ટેડ શાળાઓ ઘટીને 3,000 જેટલી થઇ ચુકી છે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટને લઈ સંચાલક મંડળ તરફથી અનેકવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 ના એક વર્ગ માટે 2500 રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે, જે વર્ષે 30,000 રૂપિયા જેટલી થાય છે. આ 30,000 રૂપિયાની ગ્રાન્ટ સામે શાળાના એક વર્ગ પાછળ સંચાલકોએ અંદાજે 2 લાખ જેટલી વાર્ષિક રકમ ખર્ચ પેટે ભોગવવી પડે છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમ માત્ર શાળાઓના ઈન્ટરનેટ ખર્ચ 10,000 રૂપિયા, પરીક્ષા ખર્ચ એક વર્ગના વિદ્યાર્થીઓ પેટે અંદાજે 20,000 રૂપિયા ખર્ચાઈ જાય છે. આ ઉપરાંત સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ, વાલીઓની મિટિંગ થાય એ ખર્ચ, વિદ્યાર્થીઓ માટે ઇત્તરપ્રવૃત્તિઓ પાછળ થતો ખર્ચ અંદાજે 75 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે.

શાળા સંચાલક મંડળના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક ગ્રાન્ટેડ શાળા માટે સૌથી મોટો ખર્ચ લાઈટ બિલ અને પ્રોપ્રર્ટી ટેક્સ તેમજ મકાન ભાડા પેટે થતો હોય છે. ગ્રાન્ટેડ શાળાનો એક વર્ષ ચલાવવા સરકાર દ્વારા અપાતા 30,000 રૂપિયા સામે એકવર્ષ ચલાવવા ગ્રાન્ટેડ શાળાના સંચાલકને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. સરકાર તરફથી અપાતી ગ્રાન્ટ નહી પોસાતા 1500 ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ શાળાઓને તાળા મારવા માટે મજબુર બન્યા છે. સરકારની નીતિથી પરેશાન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ભવિષ્યમાં વધુ શાળાઓ બંધ કરે તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ જે ગતિએ બંધ થઈ રહી છે એ જોતા ભવિષ્યમાં શિક્ષણ મોંઘું થવાની ભીતિ પણ સંચાલકો સેવી રહ્યા છે. ખાનગી શાળા સંચાલકોને છૂટો દોર મળે અને શિક્ષણના નામે સંચાલકો ઉઘાડી લૂંટ ચલાવે તેવી શક્યતા છે. સસ્તું અને ઉત્તમ શિક્ષણ મેળવવાના ગરીબ – મધ્યમ પરિવારનું સપનું રોળાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના શાહીબાગ વિસ્તારની 66 વર્ષ જૂની ગ્રાન્ટેડ સ્કૂલ એચ.બી. કાપડિયાના સંચાલકે શાળા બંધ કરવા અરજી કરી હતી. જેની પાછળ સ્કૂલ ખર્ચ સામે મળતી અપૂરતી ગ્રાન્ટ એક મહત્વપૂર્ણ પરિબળ હોવાની વાત સામે આવી હતી, જો કે પાછળથી સંચાલકે સ્કૂલ બંધ કરવાની અરજી પરત લીધી હતી.