અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની ગઈ છે. ઘણા વિસ્તારોમાં તો પાણી ભરાઈ રહેતા રોડ પર ખાડા પડી ગયા છે. ત્યારે હવે છેલ્લા કેટલાક દિવસથી એકંદરે વરસાદ બંધ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલાં ખાડાઓને પુરવા અને રીસરફેસની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં નાના મોટા 14568 જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા છે. 152 જેટલા ખાડાઓ પુરવાની કામગીરી હજુ બાકી છે. ઉપરાંત રોડ રિસરફેસની કામગીરી પણ શરૂ કરવામાં છે.
અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થતાં એએમસીના ઇજનેર વિભાગ દ્વારા દરેક ઝોનમાં જ્યાં પણ ખાડા પડ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પુરવાની અને રોડ રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 25 દિવસ શહેરમાં નાના મોટા 14568 જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા છે. 152 જેટલા ખાડાઓ હજી પુરવાની કામગીરી બાકી છે જેને આગામી દિવસમાં પુરા કરી દેવામાં આવશે.
AMC ઇજનેર વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં વરસાદ બંધ થવાની સાથે જ રોડના ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં કોલ્ડ મિક્સ, વેટ મિક્સ, જેટ પેચર મશીન અને હોટ મિક્સ ની મદદથી ખાડાઓ રીપેર કરવાની કામગીરી કરવામાં આવી છે. શહેરમાં તમામ ઝોનમાં 14720 જેટલા ખાડાઓ પડ્યા છે, જેમાં 14,568 જેટલા ખાડાઓ હાલમાં પુરા કરી દેવામાં આવ્યા છે. વોટર સપ્લાય અને ડ્રેનેજના કારણે 469 જેટલા ખાડાઓ પડ્યા હતા જ્યારે રોડ ખોદવાના કારણે 54 તેમજ વિવિધ કારણોસર 14197 ખાડા પડ્યાં હતા, રોડ પરથી ડામર અને કપચી ઉખડી જતાં આવા રોડ પર રિસરફેસનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે શહેરમાં વરસાદી પાણી ભરાવવાના કારણે જેટલા પણ જુના રોડ છે તેમાં ખાડા પડ્યા હતા. પાણી ભરાવવાના કારણે અને તેના પરથી વાહનો પસાર થતાં જે ખાડા પડ્યા છે તે તમામ ખાડાઓને વરસાદ બંધ થતાની સાથે જ યુદ્ધના ધોરણે પુરવા માટેની સુચના ઇજનેર વિભાગને આપવામાં આવી હતી. શહેરમાં કુલ 14000થી વધુ જેટલા ખાડા પડયા હતા. ક્યાંક વિવિધ કામગીરીઓ ચાલતી હોય છે જેના કારણે પણ ખાડા પડ્યા હતા. ઇજનેર વિભાગ દ્વારા વેટમીક્સથી 9656, કોલ્ડ મીકસથી 2533, જેટ પેચરથી 589 અને હોટમીકસથી 1790 ખાડા રીપેર કર્યાં છે. શહેરના પશ્ચિમ ઝોનમાં 2720, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1628, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1012, પૂર્વ ઝોનમાં 2053, દક્ષિણ ઝોનમાં 3450, મધ્ય ઝોનમાં 1805 અને ઉત્તર ઝોનમાં 1580 અને અલગ અલગ બ્રિજ પર 320 ખાડા પડયા છે. શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 3450 ખાડા પુરવામાં આવ્યા છે. 283 જેટલા મજૂરો, 36 ટ્રેક્ટરો અને 43 રોલર અને 2 જેસીબીનું મદદ લેવાઇ છે.