અમરનાથ યાત્રા માટે 16 જેટલા તબીબી ટેસ્ટ જરૂરી, હ્રદયરોગના દર્દીઓને યાત્રાએ ન જવા સલાહ
અમદાવાદઃ અમરનાથ યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશથી પણ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ જતા હોય છે. અમરનાથ યાત્રા કઠિન પણ છે. કારણ કે બર્ફિલા પવનમાં પદયાત્રા કરીને અમરનાથ ધામ પહોંચાતું હોય છે. એટલે યાત્રા માટે શારીરિક ક્ષમતા હોવી પણ જરૂરી છે. એટલે યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટી ફરજિયાત છે. અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદ સહિત તમામ મહાનગરોની સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સર્ટી. મેળવવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને 16 જેટલા તબીબી ટેસ્ટ બાદ સર્ટી. આપવામાં આવે છે. હ્રદયરોગ કે ફેફસાની બિમારી હોય એવા એવા લોકોને અમરનાથ યાત્રાએ ન જવાની સલાહ આપવામાં આવે છે. અમરનાથ યાત્રાએ જતા યાત્રાળુઓને શારીરિક તકલીફ સર્જાતા તેમની તબિયત લથડી જાય છે અથવા તો મોત પણ નીપજે છે. કારણ કે અમરનાથ એક એવું સ્થળ છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, તેથી ઓક્સિજન ઘટી જવાને કારણે કેટલાક યાત્રાળુઓનું હૃદય બંધ પડી જતું હોવાના કિસ્સાઓ બનતા હોય છે. અમરનાથ યાત્રા પર જતા પહેલા સરકાર દ્વારા કેટલાક માપદંડ નિશ્ચિત કરવામાં આવ્યા છે. જે પૂર્ણ થયા બાદ જ અમરનાથ યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ થયો છે. અમરનાથની યાત્રા કરવા ઇચ્છુક યાત્રિકાએ ફોર્મ ભરીને મેડિકલ તપાસ કરાવવી ફરજીયાત છે. જો મેડિકલ તપાસમાં કોઈ તકલીફ લાગે તો તે યાત્રા કરવાની પરવાનગી મળતી નથી. યાત્રિકોએ હ્રદય અથવા ફેફસા સંબંધિત બીમારી હોય તો તેમણે યાત્રા કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને યાત્રા કરવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તદુપરાંત છ સપ્તાહ કરતા વધુના ગર્ભ સાથે ગર્ભવતી સ્ત્રીને પણ અમરનાથ યાત્રા કરવાની પરવાનગી મળતી નથી.
અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે વ્યક્તિને યાત્રા કરવાની હોય તેમને ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ સબમિટ કરવાનું રહેશે. આથી રજિસ્ટેશન પહેલા તબીબી ફિટનેસ સર્ટી, મેળવવા માટે અમદાવાદની સોલા સિવિલ સહિત રાજકોટ, સુરત, વડોદરા સહિત તમામ મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં લાઈનો જોવા મળી રહી છે. યાત્રા કરવા ઇચ્છતા લોકોના ઈસીજી, એક્સ-રે, બ્લડ રિપોર્ટ સહિતની વિવિધ શારીરિક તપાસ કરવામાં આવે છે, તેના માટે અત્યાર સુધીમાં 100થી 120 જેટલા લોકોને હેલ્થ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ઇચ્છુક અમરનાથ યાત્રા કરતા પહેલા હેલ્થ સર્ટિફિકેટ લેવા માટે 16 જેટલા ટેસ્ટમાં સારા રિપોર્ટ હોવા ખૂબ આવશ્યક છે. જેમાં શ્વાસને લગતી બીમારી, ફેફસાને લગતી બીમારી, બ્લડ ડિસોર્ડર, કોઈ ઈજા પહોંચે તો સતત લોહી વહે તેવી પરિસ્થિતિ, હૃદય સંબંધિત બીમારી, સાંધાનો દુ:ખાવો, કાનમાંથી રસી નીકળવી, ડાયાબીટીસ, હાઇ બ્લડ પ્રેશર, અસ્થમા, ખેચ અથવા વાઈ આવવી (એપીલેપ્સી), નર્વસ બ્રેકડાઉન, ઊંચાઈનો ડર અથવા માઉંટેન સિકનેસ, ભૂતકાળમાં કોઈ સ્ટ્રોક આવ્યો હોય અથવા લકવો થયો હોય, જેવા માપદંડોને આધારે તબીબ દ્વારા મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. (file photo)