રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેનમાંથી 20 લાખ લોકોએ દેશ છોડ્યો
નવી દિલ્હીઃ યુક્રેન સામે રશિયાએ સૈન્ય કાર્યવાહી 14 દિવસ પહેલા શરૂ કરી હતી. આજે પણ રશિયાની સૈન્યએ કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર બોમ્બ મારો ચાલુ રાખ્યો હતો. દરમિયાન બીજી તરફ યુદ્ધને પગલે લોકોમાં ભય ફેલાયો છે. જેના પગલે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 20 લાખ લોકોએ દેશ છોડ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ યુક્રેનના પડોશી દેશોમાં રિફ્યુજી સંકટ પણ વધ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે મોદી સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. તેમજ આ ઓપરેશન દરમિયાન 17 હજાર ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢ્યાં છે. યુદ્ધને વચ્ચે યુક્રેનના નાગરિકો મેટ્રો સ્ટેશન સહિતના સલામત સ્થળો ઉપર આશરો લઈ રહ્યાં છે. તેમજ યુક્રેનના સૈનિકો પણ રશિયન સૈન્યનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ લાખોની સંખ્યામાં યુક્રેનમાંથી લોકો હિજરત કરી રહ્યાં છે. યુએનના જણાવ્યા અનુસાર 20 લાખ લોકોએ યુક્રેન છોડ્યું છે. લોકો રોમાનિયા, પોલેન્ડ, મોલ્ડોવા, સ્લોવાકિયા, હંગરી અને લેવારૂસમાં શરણ લઈ રહ્યાં છે. યુક્રેનના નાગરિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન અમેરિકાએ રાજ્યમાં આવતા યુક્રેનિયોને ટેમ્પરેરી પ્રોટેક્ટેડ સ્ટેટસ આપવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ લોકોને બ્રિટન જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.