Site icon Revoi.in

કચ્છના નાના રણમાં તંત્રના પાપે 2000 જેટલા અગરિયા પરિવારો પાણીની સમસ્યા વેઠી રહ્યા છે

Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા, પાટડી સહિતના રણ વિસ્તારોમાં અનેક અગરિયા પરિવારો કાળી મજુરી કરીને ગુજરાન ચલાવે છે. કાળઝાળ ગરમીમાં પણ અગરિયાઓ રણમાં ઝૂંપડા બાંધીને વસવાટ કરતા હોય છે. આવા અગરિયા પરિવારો માટે સરકાર દ્વારા ટેન્કરોથી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા ટેન્કરથી પાણી પહોચાડવા માટે કોન્ટ્રાક્ટ અપાયો છે. પરંતુ કહેવાય છે. કે, પાણી પુરવઠા બોર્ડે કોન્ટ્રાક્ટરોને બે બિલના બાકી નાણા ન ચુકવતા કોન્ટ્રાકટરોએ ટેન્કરો બંધ કરી દેતા તંત્રના વાંકે 2000 જેટલા અગરિયાઓ પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના નાના રણમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવાર માટે ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જેવો ઘાટ સર્જાયો છે. અગરિયાઓને પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગે કોન્ટ્રાક્ટ આપ્યો છે પરંતુ વિભાગે  બે  બિલનાં નાણાં ચૂકવ્યાં ન હોવાથી કોન્ટ્રાક્ટરે પાણી પહોંચાડવાનું બંધ કર્યું છે. પાણી પુરવઠા વિભાગે રણમાં 5000 ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને 11 જેટલા ટેન્કર મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ માટે કોન્ટ્રાક્ટરને રોજનો ઓછામાં ઓછો રૂ. 80 હજારનો ખર્ચ થાય છે. પાણી પુરવઠા બોર્ડે કોન્ટ્રાક્ટરને ગત વર્ષની સીઝનના છેલ્લા બિલના અને આ વર્ષે ઑક્ટોબરથી રણમાં પાણીના ટેન્કર ચાલુ કરાયા ને 5થી 6 મહિના વિતવા છતાં ડીઝલ સહિતનો એક પણ ખર્ચ ન ચૂકવતાં કોન્ટ્રાક્ટરે પાણી પુરવઠા વિભાગને તાકીદે આ રકમ ચૂકવવાની વ્યવસ્થા કરો નહીં તો નછૂટકે રણમાં પીવાનાં પાણીનાં ટેન્કર બંધ કરવાની નોબત આવશે, એવી 28 ફેબ્રુઆરીએ લેખિત રજૂઆત કરીને 50 ટકા રકમ ચૂકવવા તાકીદ કરી હતી. છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલતાં કોન્ટ્રાક્ટરે થાકીને આજથી રણમાં પાણીના ટેન્કર ચલાવવા અસમર્થતા બતાવતા રણમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને  અસહ્ય ગરમીમાં પીવાના પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી પડશે.