ગાંધીનગરઃ ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં વર્ષોથી એક જ જગ્યા પર કામ કરતા 204 જેટલા કારકૂનોની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કહેવાય છે. કે, કેટલાક કારકૂનોની ગેરરીતિથી લઈને અનેક ફરિયાદો મળી હતી. તેથી સાગમટે બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં તમામ શહેરોમાં દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં કામ કરતા 204 જેટલા કારકુનોની સાગમટે બદલી કરવામાં આવી છે. રાજયના નોંધણીસર નિરીક્ષક જેનુ દેવન દ્વારા એક સાથે આ કારકુનોના બદલીના ઓર્ડરો ઈશ્યુ કરી દેવાતા દસ્તાવેજ નોંધણી કચેરીના કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો. કહેવાય છે. કે, દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં ટોકન સીસ્ટમમાં ગોટાળા સહિતની ફરિયાદો લાંબા સમયથી ઉઠવા પામી હતી. આ ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા દસ્તાવેજ નોંધણી કચેરીના 204 કારકુનોની સાગમટે બદલી કરી નાખવામાં આવી છે. જેમાં રાજકોટના 16 સહિત સૌરાષ્ટ્રની દસ્તાવેજ નોંધણી કચેરીના 66 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
રાજકોટ ઝોન-7 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા વી.એસ. કગથરાની મોરબી, રાજકોટ ઝોન-3 કચેરીના આર.કે. ચોપડાની જુનાગઢ, ઝોન-6 કચેરીના જે.એસ. રામપરીયાની જામનગર-3 પૂર્વ, રાજકોટ ઝોન-1 સબ રજીસ્ટ્રાર કચેરીના બી.કે. ચાવડાની જામનગર, રાજકોટ ઝોન-2ના વાય.પી. વાઘેલાની ભાવનગર, રાજકોટ ઝોન-1ના એન.વી. ખાચરની માંડવી-કચ્છ, રાજકોટ ઝોન-4ના કે.એન. પરમારની અમદાવાદ, ટી.એચ. ચૌહાણની અમદાવાદ, ઉપરાંત લોધીકા સબ રજીસ્ટ્રાર કચેરીના એચ.ડી. મુછાળની સુરત, જસદણ સબ રજીસ્ટ્રાર કચેરીના એ.એ. લાંબાની વડોદરા, ઉપલેટા સબ રજીસ્ટ્રાર કચેરીના એચ.બી. ઉંધાડની અમદાવાદ, રાજકોટ ઝોન-5ના પી.ડી. પરમારને સુરત, રાજકોટ ઝોન-2ના આર.કે. જાનીને સુરત, પી.કે. શુકલાની પણ સુરત બદલી કરવામાં આવી છે. જ્યારે પડધરી સબ રજીસ્ટ્રાર કચેરીના શિવાની સોલંકીની આઈજીઆર કચેરી ગાંધીનગર તેમજ ધોરાજી સબ રજીસ્ટ્રાર કચેરીના મુકિત ડી. પટેલની સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર બદલી કરવામાં આવી છે. બદલીના આ ઘાણવામાં ગાંધીનગર, સુરત, આણંદ, જામનગર, દાહોદ, ખેડા, નવસારી, પાટણ, બોટાદ, વડોદરા, જુનાગઢ, કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, સોમનાથ, તેમજ છોટાઉદેપુર જીલ્લાની સબ રજીસ્ટ્રાર કચેરીના કારકુનોની બદલી કરી તાત્કાલીક આ બદલી કરાયેલ કર્મચારીઓને છુટા કરવા અને નિમણુંકના સ્થળ પર આ કર્મચારીઓને તત્કાલ હાજર થવા માટે નોંધણીસર નિરીક્ષકે સુચના આપી છે. (FILE PHOTO)