અમદાવાદઃ કોરોનાકાળ દરમિયાન અમદાવાદ, આણંદ સહિત 21 જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કાળ પૂર્ણ થયાને બે વર્ષથી વધુ સમય વિતી ગયો છતાંયે મેમુ અને ડેમુ ટ્રેનો શરૂ કરવામાં આવી નહતી. આથી પ્રવાસીઓની માગ ઊઠી હતી. હવે પશ્વિમ રેલવેના સત્તાધિશો દ્વારા મેમુ અને ડેમુ ટ્રેનો 1લી જુલાઈથી નિયમિત દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાકાળમાં અમદાવાદ સહિત દેશમાં તમામ ટ્રેનોનું સંચાલન રદ કરી દેવાયું હતું. કોરોના મહામારી ઘટતા રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરાયું હતું. જેમાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કર્યા બાદ જરૂરિયાત મુજબની પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનો પણ સ્પેશિયલ ટ્રેન તરીકે 0 નંબર સાથે શરૂ કરાઈ હતી. હવે રેલવેએ તમામ પેસેન્જર ટ્રેનોની સાથે મેમુ અને ડેમુ ટ્રેનોને 1 જુલાઈથી રેગ્યુલર ટ્રેન તરીકે નિયમિત નંબર સાથે દોડાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મુજબ અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી 22 પેસેન્જર, ડેમૂ, મેમૂ સ્પેશ્યલ ટ્રેનો ટ્રેનો હવે 1 જુલાઈથી નિયમિત નંબર સાથે શરૂ કરાશે.
રેલવેના સૂત્રોના કહેવા મુજબ કોરોનાકાળમાં ટ્રેનોને અસ્થાયી ધોરણે બંધ કરાઈ હતી. મહામારી ઘટતા જરૂરી રૂટ પર કેટલીક ટ્રેનોને 0 નંબર આપીને સંચાલન શરૂ કરાયું હતું. સ્પેશિયલ ટ્રેનમાં વસૂલ કરાતો રૂ.20નો સ્પેશિયલ ચાર્જ બંધ કરાયો છે. પેસેન્જરો પાસે રેગ્યુલર ભાડા ઉપરાંત સ્પેશિયલ ચાર્જ તરીકે રૂ.20 વધુ વસૂલ કરાતો હતો. જો કે પરિસ્થિતિ રેગ્યુલર થયા બાદ તેમજ લાંબા અંતરની તમામ ટ્રેનો શરૂ થયા બાદ પણ રેલવેએ વધારાનો ચાર્જ વસૂલવાનું ચાલુ રાખ્યું હતું. જેને બંધ કરવા માટે અમદાવાદ સહિત દેશભરના વિવિધ એસોસિએશન તેમજ પેસેન્જરો દ્વારા સતત માગણી કરવામાં આવી હતી. રેલવેએ 21 ફેબ્રુઆરીથી સ્પેશિયલ ચાર્જ વસૂલ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.