અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી તેમજ અન્ય કારણોસર સ્થગિત રાખવામાં આવેલી 24 જેટલી એપીએમસીની ચૂંટણી હવે આગામી દિવસોમાં યોજવા માટે રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. ટર્મ પૂરી થતી હોય તેવી એપીએમસીની ચૂંટણી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન યોજવાની થતી હતી પરંતુ આ સમયગાળામાં વિધાનસભા ચૂંટણી હતી તેથી સમગ્ર વહીવટી તંત્ર વિધાનસભા ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતું અને એપીએમસીની ચૂંટણીની કામગીરી સંભાળી શકે તેમ ન હતું. આથી આવી એપીએમસીની ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી અને તેટલા સમય પૂરતી ચૂંટાયેલી પાંખની મુદત વધારવામાં આવી હતી. હવે 24 એપીએમસીની ચૂંટણી એપ્રિલમાં યોજવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે 24 એપીએમસીની ચૂંટણી યોજવા સરકાર વિભાગને સુચના આપી દીધી છે. મોટાભાગની એપીએમસી ભાજપ પાસે છે. કેટલીક એપીએમસીની ચૂંટણી કોર્ટ મેટર કે અન્ય કારણોસર યોજી શકાઇ ન હતી. આથી હવે સહકાર વિભાગ દ્વારા 24 જેટલી એપીએમસીની ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો છે. સહકારમંત્રી જગદીશ પંચાલે કહ્યું કે આગામી ત્રણ મહિનામાં આ તમામ એપીએમસીની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમાં ભાજપે અગાઉ કરેલી જાહેરાત મુજબ તેઓ પોતાના પક્ષના ઉમેદવારોને મેન્ડેટ આપીને ઉમેદવારી કરાવશે. આ સિવાય સહકારી બેન્કો સહિતની અન્ય સંસ્થાઓમાં પણ મુલતવી રહેલી ચૂંટણીઓ જલદી યોજાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપના ઘણા આગેવાનો બે હોદ્દા ધરાવે છે, ભાજપમાં એક હોદ્દો એક વ્યક્તિનો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે. ઘણા ઘારાસભ્યો પણ એપીએમસીમાં હોદ્દો ધરાવે છે. તેમણે ફરીવાર પક્ષનો મેન્ડેટ આપવામાં આવશે નહીં. કૃષિ સાથે જોડાયેલા પક્ષના અન્ય કાર્યકર્તાને એપીએમસીમાં સ્થાન અપાશે.(file photo)