અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આમ તો ગાંમડાંથી લઈને શહેરોમાં ક્રિકેટ પ્રેમીઓ જોવા મળતા હોય છે, અમદાવાદમાં તો ક્રિકેટ રમવા માટે મેદાનો મળતા નથી. ગુજરાત યુનિ.ના જીએમડીસી ગ્રાઉન્ડમાં તેમજ રિવર ફ્રન્ટ પર દુર દુરથી યુવાનો ક્રિકેટ રમવા માટે આવતા હોય છે. રમત-ગમત માટે શહેરમાં પુરતા મેદાનો જ નથી. આથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 245 જેટલા મ્યુનિ.ના ખાલી પ્લોટ્સને રમત-ગમતના મેદાનો તરીકે વિકસાવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.ના પ્લે ગ્રાઉન્ડ હેતુના રિઝર્વ પ્લોટને વિકસાવવામાં આવશે. રિઝર્વ પ્લોટમાં રમવા આવતા યુવાનો માટે પીવાના પાણીની પરબ અને શૌચાલય જેવી યુટીલીટીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. મ્યુનિ.ના ખાલી પ્લોટમાં જ લોકો ક્રિકેટ,વોલીબોલ અને ફૂટબોલ જેવી વિવિધ રમતો રમી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકારના 40 ટકા કપાતના જે રિઝર્વ પ્લોટ મળે છે તેમાં પ્લેગ્રાઉન્ડના હેતુથી મળતા પ્લોટમાં હવે યુવાનો વિવિધ પ્રકારની રમતો રમી શકે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં મ્યુનિ.ના રિઝર્વ પ્લોટોને શોધવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં 5000 ચોરસ મીટરથી વધુ અને 5000 ચોરસ મીટરથી ઓછા એવા પ્લોટ શોધવામાં આવ્યા હતા. જેમાં 53 જેટલા પ્લોટ 5000 ચોરસ મીટરથી વધુના છે. જ્યારે 192 જેટલા પ્લોટ 5000 ચોરસ મીટરથી ઓછા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા કુલ 245 જેટલા તમામ નાના-મોટા પ્લોટોમાં ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ સહિતની વિવિધ રમતો લોકો રમી શકે તે પ્રકારે આ તમામ પ્લોટને વિકસાવવામાં આવશે. જે પણ દબાણો અથવા તો પ્લોટમાં સાફ-સફાઈ કે અન્ય કામગીરી કરવાની હશે તે આગામી દિવસોમાં કરવામાં આવશે. આ તમામ પ્લોટોમાં પાણીની પરબ અને શૌચાલય સહિતની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે.