ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વર્ષો જુના સરકારી કર્મચારીઓ માટેના આવાસો જર્જરિત બની ગયા છે. સરકારે આવા આવાસો ખાલી કરાવીને તેના સ્થાને બહુમાળી આવાસો સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં ચાર દાયકા કરતા પણ વધુ જૂના ભયજનક સ્થિતિમાં ઉભેલા સરકારી આવાસો તોડી પાડવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે શહેરના સેક્ટર-16માં વધુ 252 ભયજનક આવાસ તોડી પાડવાની મંજૂરી વિભાગ કક્ષાએથી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં સેકટર-16માં આવેલા 252 જેટલા સરકારી ક્વાટર્સ વર્ષો જુના છે. અને જર્જરિત બની ગયા છે. પાટનગરની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓ માટે પાટનગર યોજના વિભાગ દ્વારા વિવિધ કેટેગરીના આવાસોનું નિર્માણ કરાયું છે. જેમાંથી મોટા ભાગના મકાનો 40 વર્ષ પહેલાંના બનેલા છે. જેના કારણે મકાનોમાં રહેતા કર્મચારીઓને પણ રિનોવેશન સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય અગાઉના સરવેમાં શહેરના 5500 મકાન ભયજનક જણાયા હતાં આ કિસ્સામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેના રિનોવેશનને બદલે તબક્કાવાર મકાન ઉતારી લેવાનો નિર્ણય કરાયો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના સેક્ટર-16માં ચ, છ અને જ-2 કેટેગરીના 252 મકાનોની હાલત પણ ભયજનક હોવાને કારણે સંબધિત વિભાગ દ્વારા તેને તોડવાની મંજૂરી આપવામાં આવી છે. જે કામગીરી આગામી દિવસોમાં હાથ ધરાશે. અત્યાર સુધીમાં સેક્ટર – 6, 7, 9, 12,13, 16,17,22,28,29 અને 30માં જર્જરિત આવાસ તોડી પડાયા હતા. જેની સામે વિભાગ દ્વારા સેક્ટર-6,7,29 અને 30માં નવી ટાવર ટાઇપ કોલોની બનાવવામાં આવી છે, આવી કોલોની બનાવવા માટેની સ્થળ પસંદગી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં વિવિધ સરકારી કચેરીઓમાં નોકરી કરતા કર્મચારીઓને રહેવા માટે સરકારી આવાસ મેળવવા માટેનું વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓ માટે બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવની રહ્યા છે. (File photo)