રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારાથી ત્રણ હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયાં
અમદાવાદઃ ગુજરાતના અને વિદ્યાર્થીઓ વિદેશમાં ભણી રહ્યા છે. જેમાં યુક્રેનમાં તબીબી અને ઈજનેરી વિદ્યાશાખામાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બીજીબાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે યુક્રેનમાં ભણી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે ત્યારે આ તણાવ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરતા ભરતના 18 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની દહેશત વચ્ચે તે સ્ટુડન્ટસના પરિવારોના જીવ તાળવે ચોટી ગયા છે. ભારતીય વિદ્યાર્થીઓમાં મેડિકલ અને એન્જિનીયરિંગનો અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય છાત્રો યુક્રેન જતા હોય છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પડી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, ગુજરાતના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની તૈયારી ચાલી રહી હોવાથી ગુજરાતી વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. સંભવિત યુદ્ધના કારણે ફ્લાઈટના ભાડામાં તોતિંગવધારો કરાયો છે. સરકાર વિદ્યાર્થીઓને પરત લાવવા મદદ કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે. ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓના પરિવારજનોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.
સૂત્રોના કહેવા મુજબ સમગ્ર ભારત ના 18૦૦૦ વિદ્યાર્થીઓ યુક્રેન દેશમાં ભણી રહ્યા છે અને તેમાં ગુજરાતના 3૦૦૦ થી 5૦૦૦ જેટલા વિદ્યાર્થી છે. તે બધા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. હાલમાં રશિયા સાથે યુક્રેનનાં યુદ્ધની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને અનુલક્ષી યુક્રેનમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ખુબ જ ચિંતામાં છે. જીવ બચાવવા અને ગુજરાત આવવા ઉતાવળ કરી રહ્યા છે. તેથી વાલીઓ ખુબ જ ટેન્શનમાં આવી ગયા છે. બીજી બાજુ એરલાઇન્સ કંપનીઓ દ્વારા 20 હજારની જગ્યાએ ખુબ જ ઊંચા ભાડા એક લાખ સુધી વસૂલી રહ્યા છે.
સામાન્ય રીતે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે ભણવા ત્યાં જાય છે. ભારતમાં ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસનો ખર્ચ એક કરોડથી વધારે છે, જ્યારે અમેરિકામાં સાતથી આઠ કરોડ રૂપિયા તથા ઓસ્ટ્રેલિયામાં ચાર કરોડનો ખર્ચ થાય છે. જ્યારે રશિયા, યુક્રેન નેપાળ, ચીન, ફિલિપિન્સ અથવા બાંગ્લાદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ ચોથા ભાગનો થતો હોવાથી વિદ્યાર્થીઓ યુક્રેનમાં વધુ ભણવા જતા હોય છે.
યુક્રેન જેવા દેશોમાંથી મેડિકલ અભ્યાસ કરી પરત ફરવા માટે ભારતમાં તાત્કાલિક પ્રેક્ટિસ કરવી મુશ્કેલ હોય છે. વિદેશથી મેડિકલથી અભ્યાસ પૂરો કર્યા બાદ ભારત પરત ફરતા મેડિકલ વિદ્યાર્થીઓને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશનની પરીક્ષા આપવાની હોય છે. યુક્રેનમાં બોગોમોલેટસ નેશનલ મેડિકલ યુનિવર્સિટી, કીવ મેડિકલ યુનિવર્સિટી અને ટર્નોપીલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી અનેક મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ ભારતીય છાત્રોમાં હોટ ફેવરિટ છે.