અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં લાયબ્રેરીઓ તો છે, પણ એના માટે ઘણીબધી શાળાઓમાં ગ્રંથપાલ નથી. જે શાળાઓમાં 3000 કરતા વધુ પુસ્તકો હોય ત્યાં ગ્રંથપાલ ફરજીયાત કરવામાં આવ્યા છે પરંતુ 13 વર્ષથી રાજ્યની સ્કૂલોમાં ગ્રંથપાલની ભરતી જ કરવામાં આવી નથી જેના કારણે 3500 જેટલી શાળાઓમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે જે ભરવા રાજ્ય શાળા સંચાલક મંડળે માંગણી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડમાં ધોરણ 11 અને 12ના વર્ગોવાળી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 3000 કરતા વધુ પુસ્તકો વસાવેલા હોય ત્યાં એક ગ્રંથપાલ નિમણુક કરવામાં આવશે તેવો ઠરાવ થયો હતો. હાલમાં 3500 કરતા વધુ જગ્યા ખાલી છે, જેને લઈને શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે. કે, 2011-12ના વર્ષ અગાઉથી ચાલતી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો અને 2011-12 પછી પૂર્ણ સ્કૂલ બનાવવાના હેતુસર શરૂ થયેલી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નિવૃત્તિ,રાજીનામું કે અન્ય કારણસર ખાલી પડેલી ગ્રંથપાલની જગ્યાઓનું મહેકમ જે તે વર્ષે મંજુર થયેલું જ મહેકમ ગણાય. ગ્રંથપાલની ખાલી પડેલી જગ્યા ભરવા માટે વહેલી તકે છૂટ આપવામાં આવવા તો ગ્રંથપાલ સ્કૂલોને મળી શકે છે.આ ઉપરાંત સ્કૂલમાં 100થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં પણ ગ્રંથપાલ ફરજિયાત કરવામાં આવ્યા છે.ત્યારે અનેક સ્કૂલોને ગ્રંથપાલની જરૂર છે તો સરકાર દ્વારા આ અંગે તાત્કાલિક નિર્ણય કરવામાં આવે તો સ્કૂલોને ગ્રંથપાલ મળે અને વિદ્યાર્થીઓને પુસ્તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી શકે તેમ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, લાયબ્રેરીનો કોર્ષ કર્યા બાદ ડિગ્રી મેળવેલા અનેક બેરોજગાર યુવાનો પણ શાળાઓમાં લાયબ્રેરીયનની નિમણુંકો કરવા માટે માગણી કરી રહ્યા છે.પરંતુ સરકાર શાળાઓમાં લાયબ્રેરીયનની નિમણુંક કરવામાં નિરસ છે.