અમદાવાદઃ દેશમાં કુલ દૂધ સંચાલનના 30 ટકા ગુજરાત કરે છે. તેમજ અંદાજે રૂ. 150 કરોડ રોજ દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવે છે. રાજ્યમાં લગભગ 4500 જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે. તેમ ગાંધીનગરમાં યોજાયેલી ડેરી ઈન્ડસ્ટ્રીઝની કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે તેવો સ્પષ્ટમત વ્યક્ત કરતાં કહ્યું કે, ગ્રામીણ જનજીવનનો મુખ્ય આધાર જ કૃષિ, પશુપાલન અને દૂધ ઉત્પાદન છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવા સાથે લાખો લોકોની રોજી-રોટી અને આજિવીકા સાથે સંકળાયેલું મુખ્ય સાધન ડેરી ઉદ્યોગ છે. તેમણે સહકારીતા દ્વારા ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સહકાર સે સમૃદ્ધિનો માર્ગ કંડાર્યો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, માસ પ્રોડ્કશનને બદલે પ્રોડ્કશન બાય માસ દ્વારા આ ક્ષેત્રે આગવી ઓળખ મેળવી છે. ગ્રામીણ મહિલાઓ અને પશુપાલક બહેનોનું મહત્વપૂર્ણ યોગદાન ડેરી ઉદ્યોગમાં રહ્યું છે તેની છણાવટ કરતાં તેમણે કહ્યું કે, રાજ્યમાં 4500 જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વચ્છતા, કેમિકલ મુકત પ્રાકૃતિક ખેતી, ક્લીન એનર્જી, ગોબરધન અન્વયે ગોબર ગેસ અને જૈવિક ખાતર વગેરેને પરિણામે ગ્રીન ગ્રોથ અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનું માધ્યમ ડેરી-દૂધ ઉદ્યોગ બન્યો છે. ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, માનવજીવનના પોષણ અને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન એવા દૂધ સાથે સંકળાયેલી ડેરી ઇન્ડસ્ટ્રીની ગુજરાતમાં આયોજીત આ કોન્ફરન્સ અમૃતકાળમાં ડેરી ઉદ્યોગમાં ઇનોવેશન્સ અને સોલ્યુશન્સની ટ્રેન્ડ સેટર બનશે.