નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દર રવિવારે જાહેર રજા હોય છે જો કે, ઝારખંડ અને બિહારની કેટલીક શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ સ્કૂલોમાં રવિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના જામતાડા પછી દુમકા જિલ્લાની 33 સ્કૂલો અને બિહારના કિશનગંજમાં 37 જેટલી શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવે છે. આ ઘટના સામે આવ્યાં બાદ બન્ને રાજ્યોમાં ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કરાયાં છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઝારખંડ અને બિહારના જે જિલ્લામાં શુક્રવારે સરકારી સ્કૂલોમાં રજા રહે છે ત્યાં રવિવારે અભ્યાસ કરાવવામાં આવે છે. આ વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી વધારે છે. શુક્રવારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ માત્ર નામજ પઢવા જાય છે. અહીં વર્ષોથી આવી પરંપરા ચાલતી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે.
રવિવારને બદલે શુક્રવારે સ્કૂલોમાં રજાની માહિતી સામે આવતા બિહારના શિક્ષણ વિભાગના મંત્રી વિજય કુમાર ચૌધરીએ તપાસના આદેશ કર્યાં છે. તેમજ જે તે જિલ્લાના શિક્ષણાધિકારીઓ પાસે પણ રિપોર્ટ માંગ્યો છે.
દુમકાના ડીએસઈ સંજયકુમાર દાસએ 33 સ્કૂલોને બીઓ પત્ર લખીને તપાસની માંગણી કરી હતી. આ સ્કૂલો તમામ ઉર્દૂ શાળાઓ છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગએ પણ બિહાર સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. તેમજ બિહારને 10 દિવસમાં જ રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં અગાઉ કેટલીક શાળાઓમાં પ્રાર્થનામાં ફેરફાર કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. લઘુમતી કોમની બહુમતી ધરાવતા આ વિસ્તારની શાળાઓમાં પ્રાર્થનામાં ફેરફાર થતા ખળભળાટ મચી ગયો હતો. અંતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દરમિયાનગીરી કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.